• શનિવાર, 23 મે, 2026

ખેતીમાં કાંઇ નહીં વળે, ગુરુજી રૂપિયા ડબલ કરી આપશે : ખેડૂત સાથે 35 લાખની ઠગાઇ

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના બુઢારમોરા ગામના એક ખેડૂત સાથે તાંત્રિકવિધિથી પૈસા ડબલ કરી આપવાના બહાને રૂા. 35,00,000ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર ખેડૂતે ત્રણ શખ્સ સામે ગુનાહિત કાવતરું રચી ઠગાઇ, છેતરપિંડીની ફરિયાદ  નોંધાવી છે. બુઢારમોરામાં રહી ખેતી કરતા લક્ષ્મણ પુંજાભાઇ સથવારાએ આ ચકચારી બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એકાદ વર્ષ પહેલાં તેમના ઓળખીતા બાબુ કરસન છાંગા (રહે. કોટડા) ફરિયાદીને મળ્યો હતો અને ખેતીમાં કે જમીનની દલાલીમાં કાંઇ મળશે નહીં, મારા ગુરુ મસ્તાન બાપુ ખૂબ વિદ્વાન છે, જે પોતાની વિદ્યાથી રૂપિયા ડબલ કરી આપે છે અને તે ભચાઉ આવવાના છે. જો તારે તારા રૂપિયા ડબલ કરવા હોય તો તેની સાધના માટે રહેવાની સગવડ કરી આપ તો હું અને મારા ગુરુ તથા તેમના ગુરુ ઝાકીર હુસેન તારા રૂપિયા ડબલ કરી આપશું, તેવી વાત કરતાં ફરિયાદીએ તેને હા પાડી હતી. ફરિયાદીએ  મસ્તાનની રહેવાની સુવિધા પોતાના ભાઇની વાડીએ કરી આપી હતી, ત્યાં તે થોડા દિવસ માટે રોકાયો હતો. બાદમાં તેનો ગુરુ ઝાકીર હુસેન (ઇન્દોર) ત્યાં આવી રહેવાની વ્યવસ્થા સારી છે. મસ્તાનને વિધિ માટે  અત્યારે રૂા. 1,55,000 આપી દે, તે વિધિ શરૂ કરશે. આ ગુરુ પણ ત્રણ દિવસ રોકાયો હતો. અને જતાં-જતાં બાબુ કે આ મસ્તાન રૂપિયા માગે તેને આપી દેજે, તે વિધિ દ્વારા ડબલ કરી આપશે. જેથી ફરિયાદીએ ટુકડે-ટુકડે રોકડા તથા ઓનલાઇન એમ કરીને કુલ રૂા. 35,00,000 આ શખ્સોને આપી દીધા હતા. બાદમાં ફરિયાદી ખેડૂતે પોતાના ડબલ રૂપિયા માગતાં હજુ રૂપિયા નાખ પછી જ થશે, જેથી ફરિયાદીએ હવે રૂપિયા ન હોવાનું કહ્યું હતું. દરમ્યાન મસ્તાને બાબુ અહીં જ છે. હું ઝાકીર બાપુ પાસે જઇ આવું તેમ કહીને તે નીકળી ગયો હતો. આ બંને શખ્સ પરત ન આવતાં બાબુ છાંગા પાસે રૂપિયાની માગણી કરાતાં તે 35 લાખનો એસબીઆઇનો અંજાર બેન્કનો ચેક આપ્યો હતો. જે વટાવવા જતાં આ ખાતું ઘણા સમય પહેલાં બંધ થઇ ગયું હોવાનું બહાર આવ્યું હતું. બાબુએ બીજા પણ બે ચેક આપ્યા હતા, જે પણ બાઉન્સ થયા હતા, જેથી કોર્ટમાં ફરિયાદ કરાઇ છે. ખેડૂત સાથે 35 લાખની છેતરપિંડીના આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd