• શનિવાર, 23 મે, 2026

હવે દવાના ભાવ વધારવાની તૈયારી

નવી દિલ્હી, તા. 22 : જનતાને હવે દવાઓમાં ઝટકો લાગવાનો છે. કેન્દ્ર સરકાર 384 આવશ્યક દવાઓના ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધને કારણે આ દવાઓ માટે જરૂરી પેટ્રોકેમિકલ આધારિત સામગ્રીના પુરવઠામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારના બે અધિકારીને ટાંકીને એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે, આ દવાઓના ભાવ વધારવા અંગે નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ), ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. મિન્ટે એ પણ અહેવાલ આપ્યો છે કે, ઈરાન યુદ્ધ સમાપ્ત થયા પછી કાચા માલનો પુરવઠો પાછો આવતાની સાથે જ આ દવાઓના ભાવમાં ઘટાડો થશે. ઉપરોક્ત બે અધિકારીમાંથી એકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, `આ કિંમત અંગે ઉદ્યોગ તરફથી સરકારને એક દરખાસ્ત મળી છે. સરકાર આ બાબતની સમીક્ષા કરી રહી છે.' રિપોર્ટ અનુસાર, કિંમતોમાં વધારો કરવા માટે ચર્ચા કરવામાં  આવી રહેલી દવાઓમાં એન્ટિ-બાયોટિક્સ અને ચેપ વિરોધી દવાઓ (એમોક્સિસિલિન એઝિથ્રોમાસીન), હૃદયરોગની દવાઓ (એમલોડિપિન, એટોર્વાસ્ટેટિન) અને પીડાનાશક દવાઓ (પેરાસીટામોલ)નો સમાવેશ થાય છે. વધુમાં, સ્ટેરોઇડ્સ (ડેક્સામેથાસોન) અને વિટામિન્સ (એસ્કોર્બિક એસિડ) જેવા અન્ય આવશ્યક અને જીવનરક્ષક ફોર્મ્યુલેશનના ભાવ વધારવાનીની પણ ચર્ચા થઈ રહી છે. 

Panchang

dd