• શનિવાર, 23 મે, 2026

કચ્છ યુનિવર્સિટી ખાતે હેલ્પડેસ્કનું ઉદ્ઘાટન કરાયું

ભુજ, 22 : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા `ગુજરાત કોમન એડમિશન સર્વિસ' પોર્ટલ અંતર્ગત એડમિશન મેળવતા વિદ્યાર્થીઓની સુવિધા માટે કચ્છ યુનિવર્સિટી કેમ્પસ ખાતે `એબીવીપી જીસીએએસ હેલ્પડેસ્ક'નો આરંભ કરાયો હતો. હેલ્પડેસ્કનું ઉદ્ઘાટન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ અને કુલસચિવ ડો. અનિલભાઈ ગોરના હસ્તે દીપ પ્રાગટય કરી કરાયું હતું. અ.ભા.વિ.પ. પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ડો. ધ્રુવભાઈ પુરબિયા, પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષભાઈ પરમાર, સહ સંયોજક મીતભાઈ દરજી, કચ્છ યુનિવર્સિટી અધ્યક્ષ મહિપાલાસિંહ જાડેજા, મંત્રી મહેન્દ્રાસિંહ વાઘેલા સહિત વિદ્યાર્થી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિએ વિદ્યાર્થી પરિષદની કામગીરીને બિરદાવી હેલ્પડેસ્ક ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવું જણાવ્યું હતું. જિલ્લા સંયોજકે જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓને હેલ્પડેસ્કનો લાભ લેવા માટે અપીલ કરી હતી. હેલ્પડેસ્ક પર જીસીએએસ પોર્ટલ રજિસ્ટ્રેશનમાં સહાયતા, ઓનલાઈન ફોર્મ ભરવા અંગેનું માર્ગદર્શન, જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન અને અપલોડ કરવામાં મદદ, ફોર્મ ભરતી વખતે આવતી ટેકનિકલ સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ, હોસ્ટેલની માહિતી અને હોસ્ટેલના ફોર્મ ભરવા તથા યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ કોર્ષ અંગેની માહિતી પૂરી પડાશે. જે વિદ્યાર્થીઓ રૂબરૂ આવી શકે તેમ ન હોય અથવા ઘરબેઠા માહિતી મેળવવા માગતા હોય તેમના માટે એબીવીપી દ્વારા 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબરો 99251 77957, 93136 19250 ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું. 

Panchang

dd