• શનિવાર, 23 મે, 2026

પંજાબને લખનઉ સામે જીતની સાથે ભાગ્યની પણ જરૂર

લખનઉ, તા. 22 : સતત 6 હાર સહન કરનાર ટીમ પંજાબ કિંગ્સને તેની પ્લેઓફ પ્રવેશની ધૂંધળી આશાને જીવંત રાખવા માટે લખનઉ સુપર જાયન્ટસ સામે કરો યા મરોને જંગ ખેલીને જીત હાંસલ કરવી પડશે. આ ઉપરાંત શ્રેયસ અય્યરની ટીમને ભાગ્યનો પણ સાથ જરૂરી બની રહેશે. જીતની સાથે પંજાબનું પ્લેઓફમાં પહોંચવાનું રવિવારની બાકીની બે મેચના પરિણામ પર નિર્ભર રહેશે. તેમના માટે પહેલો લક્ષ્યાંક એલએસજી વિરૂધ્ધ મહાજીત છે. બીજીતરફ પ્લેઓફની બહાર થઇ ચૂકેલી રિષભ પંતની ટીમ પંજાબના પ્લેઓફ સમીકરણ બગડવા મેદાનમાં ઉતરશે. તેની નજર સીઝનની આખરી મેચમાં પ્રોત્સાહક વિજય પર રહેશે. પંજાબ કિંગ્સે સીઝનની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી હતી. સતત 7 મેચ સુધી અપરાજિત રહી હતી. આ દરમિયાન વિજયનો છગ્ગો ફટકાર્યો હતો. 2પ એપ્રિલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રેકોર્ડ 26પ રનનું લક્ષ્ય હાંસલ કર્યાં બાદથી તેનું અભિયાન નાટકિય ઢબે અટકી ગયું છે. ખિતાબની દાવેદાર ગણાતી પંજાબ કિંગ્સ હવે પ્લેઓફમાં પહોંચવાના બીજી ટીમના પરિણામ પર લટકી રહી છે. આ પણ ત્યારે શકય બનશે જયારે તે લખનઉ સામે નવાબી જીત મેળવશે. આ બાધા પાર કરવી પણ કઠિન છે. રવિવારની મેચમાં મુંબઇ સામે રાજસ્થાનનો વિજય થશે તો બધા સમીકરણ સમાપ્ત થશે અને રાજસ્થાન પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બનશે. જો રાજસ્થાનની  હાર થશે અને દિલ્હી સામે કેકેઆરનો વિજય થશે તો નેટ રન રેટ નિર્ણાયક બનશે. કેકેઆર અને પંજાબમાંથી જેની સારો રન રેટ હશે તે પ્લેઓફ રાઉન્ડમાં જશે. 

Panchang

dd