નવી દિલ્હી, 22 (પીટીઆઈ) : ભારતમાં આજની તારીખે
47,000 બાળક હજુ પણ લાપતા હોવાનું
નોંધતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશભરના પોલીસ અધિકારીઓને ગુમ થયેલી વ્યક્તિઓના કેસોમાં
તાત્કાલિક એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું કે, માનવ તસ્કરી વિરોધી એકમોને
ચાર અઠવાડિયામાં સંપૂર્ણપણે કાર્યરત કરવા જોઈએ. ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને
આર મહાદેવનની બેન્ચે અનેક નિર્દેશો જારી કરીને ગુમ થયેલાં બાળકોના કેસોની સંખ્યામાં
વધારો થવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ઘણીવાર સંગઠિત આંતરરાજ્ય
ટ્રાફાકિંગ સિન્ડિકેટનો ભોગ બને છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને દેશના દરેક પોલીસ
સ્ટેશનને એક પ્લેટફોર્મ પર જોડતો એક ઓલ-ઇન્ડિયા ગ્રીડ સ્થાપિત કરવાનો નિર્દેશ આપવામાં
આવ્યો છે, જેમાં ગુમ થયેલાં બાળકો અને મહિલાઓ સહિત માનવ તસ્કરી માટે સમર્પિત એક ખાસ
પોર્ટલ હશે. સંબંધિત પોલીસ સ્ટેશનોને નિર્દેશ આપવામાં આવે છે કે, તેઓ કોઈ પણ વ્યક્તિ
ગુમ થયા અંગે કોઈ પણ માહિતી પહોંચે કે તરત જ એફઆઈઆર દાખલ કરે, પ્રાથમિક તપાસની રાહ
જોયા વિના અથવા ગુમ થયેલી વ્યક્તિઓના વાલીઓને સોંપ્યા વિના. ઉપરોક્ત એફઆઈઆરમાં અપહરણ
/ તસ્કરી સંબંધિત ભારતીય ન્યાય સંહિતા, 2023ની સંબંધિત જોગવાઈઓનો ફરજિયાતપણે સમાવેશ કરવામાં આવશે એમ બેન્ચે
જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, જ્યારે પણ કોઈ બાળક ગુમ થાય છે, ત્યારે અધિકારીઓએ
શરૂઆતથી જ અપહરણ અથવા અપહરણની ધારણા પર આગળ વધવું જોઈએ. બેન્ચે કહ્યું હતું કે, અપહરણ
માટે દંડનીય જોગવાઈઓ હેઠળ આવા કેસ નોંધવાથી તપાસમાં ગંભીરતા સુનિશ્ચિત થશે અને વિલંબમાં
ઘટાડો થશે.