ગાંધીધામ, તા. 22 : ઔદ્યોગિક પાટનગર ગાંધીધામના
ગળપાદરમાં સીમા સુરક્ષા દળના કેમ્પસમાંથી અત્યંત આઘાતજનક અને અરેરાટીભર્યો બનાવ સામે
આવ્યો છે. દેશની સરહદોની રક્ષા કરનાર બી.એસ.એફ.ના જવાન પંકજ લાભુભાઇ મેમકિયા (ઉ.વ.
24)એ ઇન્સાર્સ રાઇફલથી પોતાનાં
માથાંમાં ગોળી મારી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ગળપાદર ખાતે આવેલા બી.એસ.એફ.
કેમ્પસમાં આજે સવારે 8 વાગ્યાની
આસપાસ આ અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. મૂળ સુરેન્દ્રનગર, સુંઠા તાલુકાના ચોકડી ગામના
પંકજ મેમકિયા સીમા સુરક્ષા દળમાં 2023માં ભરતી થયો હતો. તેની તાલીમ બાદ છેલ્લા બે મહિનાથી તે રજા
ઉપર હતો. હાલમાં બે-ત્રણ દિવસ પહેલાં જ તે ફરજ ઉપર હાજર થયો હોવાનું પોલીસે જણાવ્યું
હતું. બી.એસ.એફ. કેમ્પસમાં ઇન્સાર્સ રાઇફલ સાથે રહેલ એક મહિલા કર્મીને તમને બોલાવે છે, હું બંદૂકનું ધ્યાન
રાખું છું તેમ આ જવાને કહ્યું હતું. મહિલા ત્યાંથી ગયા ને આ યુવાને બંદૂક વડે પોતાનાં
માથાંમાં ગોળી વીંધી દીધી હતી. અવાજ થતાં તમામ ત્યાં દોડી આવ્યા હતા અને ઘવાયેલા જવાનને
સારવાર માટે લઇ જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવની તપાસ
કરનાર પી.એસ.આઇ. બી. એસ. ઝાલાએ જણાવ્યું હતું કે, આ જવાન માનસિક તણાવમાં રહેતો હતો.
તેણે કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે તપાસનો વિષય છે. બનાવનો આછેરો વીડિયો
સી.સી. ટી.વી. કેમેરામાં પણ કેદ થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. લાશને જામનગર ખાતે
લઇ જવાઇ હોવાનું તેમણે કહ્યું હતું. બી.એસ.એફ.ના જવાનના મોતને પગલે ભારે અરેરાટી પ્રસરી
હતી.