• શનિવાર, 23 મે, 2026

હરિદ્વાર યાત્રા સંઘના નામે ઠગાઇ : આદિપુરમાં 200 લોકો ભોગ બન્યા

ગાંધીધામ, તા. 22 : આદિપુરમાં હરિદ્વાર નિ:શુલ્ક સેવાયાત્રા નામના ચોપાનિયા છપાવી લોકો પાસેથી પૈસા પડાવી કયાંય ન લઇ જવાતાં ત્રણ શખ્સો સામે રૂા. 10 લાખની છેતરપિંડીનો ગુનો દર્જ થયો હતો. ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતા ફરિયાદી કાંતિભાઇ દેવજી ચૌહાણના ઘરે આવેલા અખબારમાં એક પોસ્ટર નીકળ્યું હતું જેમાં ચાલો હરિદ્વાર ફ્રીમાં તથા આશાપુરા માતાની કૃપાથી આયોજિત હરિદ્વાર મુકામે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરેલ છે. દર્શન, કથાનો લાભ લેવા ભક્તોને હાર્દિક આમંત્રણ છે. સૌજન્ય નરેન્દ્રસિંહ રાજપૂત તથા યાત્રા પ્રસ્થાન તા. 22-5-26, પરત તા. 30-5-26 વગેરે લખાણ લખેલું હતું તેમજ કથા શ્રવણનો લાભ લેવા રૂા. 5000 રાખેલ છે અને કથા સાંભળનારને દિવસદીઠ રૂા. 701 એમ સાત દિવસના રૂા. 4907 સુધીની રકમ આપવામાં આવશે વગેરે પણ હતું. અધિક માસ તથા સસ્તું, રહેવાની, જમવાની સગવડ તથા પોતે નિવૃત્ત હોવાથી ફરિયાદીને જવાની ઇચ્છા થઇ હતી. બાદમાં તા. 2-5ના ફરિયાદી તથા મિત્ર મણિલાલ પ્રેમજી વાઢેર આધારકાર્ડ, પાસપોર્ટ ફોટો લઇને આદિપુરમાં મદનસિંહ સર્કલ નજીક પાલિકા કોમ્પ્લેક્ષમાં ઓફિસ નંબર 11માં ગયા હતા જ્યાં કેતન પરમાર નામનો શખ્સ અન્ય લોકો પાસેથી પૈસા લઇ રહ્યો હતો અને મોટી ઉંમરની વ્યક્તિ ફોર્મ આપી પરત લઇ રહી હતી. દરમ્યાન તા. 8-5ના ફરિયાદી અને મણિલાલ વાઢેર બેઠા હતા ત્યારે હરિદ્વાર યાત્રાનું પાલનપુરમાં બુકિંગ થતું હતું તેમાં કૌભાંડ થયું હોવાનું છાપામાં આવી ગયાનું જણાવ્યું હતું. બાદમાં બંને આદિપુરની આ ઓફિસે જતાં તે બંધ હતી અને પોસ્ટરમાં આપેલા નંબર પણ બંધ આવતા હતા. તેમણે તપાસ કરતાં આ ઠગબાજોએ આશરે 200 જેટલા લોકોના રૂપિયા લઇ બુકિંગ કર્યું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું અને આ દુકાન પણ તેમણે ભાડે રાખી હતી.આ નરેન્દ્રસિંહ દિલીપજી વિહોલ (રાજપૂત), કેતન પરમાર તથા મોટી ઉંમરની વ્યકિતએ રૂા. 10 લાખની છેતરપિંડી  કરતાં ત્રણેય સામે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd