• શનિવાર, 23 મે, 2026

રાપરમાં સામાન્ય મુદ્દે યુવાનની હત્યા કરનારા ત્રણેય શખ્સ સકંજામાં

ગાંધીધામ, તા. 22 : રાપરમાં દૂધ ડેરી વિસ્તારમાં નાસ્તો કરવા આવેલા ત્રણ શખ્સ ચમચી ફેંકવા લાગતાં તેમને કહેવા જતાં આ શખ્સોએ છરીના ઘા ઝીંકી મહબૂબઅલી રિયાસતઅલી મહોમદસફી શેખ (ઉ.વ. 22) નામના યુવાનની હત્યા કરી હતી. બનાવ બાદ યુવાનના પિતાએ એક શખ્સને પકડી પાડયો હતો, જ્યારે નાસી ગયેલા બે શખ્સને પોલીસે ઝડપી પાડયા હતા. રાપરના દૂધ ડેરી વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રિયાસતઅલી અને તેમના બે દીકરા નાસિરઅલી, મહબૂબઅલી અહીં નાસ્તાની લારી ચલાવે છે. ગઇકાલે ત્રણ શખ્સ નાસ્તો કરવા આવ્યા હતા, જે ટેબલ પરની ચમચીઓ ફેંકવા લાગતાં નાસિરઅલી ત્યાં જ આવું ન કરવાનું કહેતાં તેને ગાળો આપી હતી. બાદમાં ફરિયાદી રિયાસતઅલીએ ત્યાં જઇ ઠપકો આપ્યો હતો, તેવામાં બજારમાં સામાન લેવા ગયેલો મહબૂબઅલી ત્યાં પરત આવ્યો હતો, તેણે ત્યાં આવી ગાળો ન બોલવા કહેતાં આ ત્રણેય શખ્સ ઉશ્કેરાઇ ગયા હતા. બે શખ્સે તેને પકડી રાખ્યો હતો અને એક શખ્સે છરી તેના પેટમાં હુલાવી દીધી હતી અને ત્રણેય નાસવા જતાં ફરિયાદીએ નરેશ લખમણ કોળીને પકડી રાખ્યો હતો. રાડારાડ થતાં આસપાસના લોકો આવી ગયા હતા અને આ નરશને પકડી રાખ્યો હતો. ઘવાયેલા યુવાનને પ્રથમ રાપર અને વધુ સારવાર અર્થે સામખિયાળી લઇ જવાતાં તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો. પકડાયેલા નરેશની પૂછપરછ કરાતાં તેની સાથે આવેલા અને નાસી ગયેલામાં એક સંજય જેરામ કોળી તથા કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ગુનો દર્જ કરી આ ત્રણેય શખ્સની ધરપકડ કરી હતી. સામાન્ય મુદ્દે યુવાનની હત્યાના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. 

Panchang

dd