દેશની સંસદમાં લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઇ કરતો ખરડો
પસાર કરવા માટે ચર્ચા થઇ રહી એવા સમયે કચ્છની અધિક જિલ્લા સેશન્સ કોર્ટે નારીઓનું ગૌરવ
છીનવીને ભયભીત કરે એવા પ્રકરણમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. ન્યાયમૂર્તિ શ્રી
જે. જે. ઠક્કરે 250થી વધુ પાનાંના
ચુકાદામાં મહિલા ઉત્પીડન પ્રત્યે ધિક્કાર વ્યક્ત કરતાં કહ્યું છે કે, આપણા સમાજની બહેનો-દીકરીઓ ભયમુક્ત બનીને બહાર
નીકળી શકે એવો માહોલ નથી ? એક માતાતુલ્ય વૃદ્ધા સાથે દુષ્કર્મ
આચરીને તેમને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવાનું જઘન્ય કૃત્ય સમાજ માટે અસ્વીકાર્ય
છે. કચ્છના ન્યાયિક ઇતિહાસમાં યાદગાર તરીકે લખાઇ ગયેલાં આ પ્રકરણમાં હિચકારો-ધિક્કારપાત્ર
બનાવ ત્રણેક વર્ષ પહેલાં રતાડિયાના સીમાડામાં બન્યો હતો. દેવદર્શને ગયેલાં વૃદ્ધાએ
દીકરાની ઉંમરના આરોપી પર વિશ્વાસ મૂકીને લિફ્ટ લીધી અને હવસખોર નરાધમ સચિન કુવરિયાએ
દુષ્કર્મ આચર્યું એટલું જ નહીં, તેમની ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી.
ન્યાયમૂર્તિએ યોગ્ય જ કહ્યું છે કે, આ પ્રકારના બનાવો સમાજમાં
આપણી બહેનો-દીકરીઓ માટે ભયનો માહોલ ઊભો કરે છે. અભ્યાસપૂર્ણ ચુકાદામાં શાત્રો-પુરાણોના
ઉલ્લેખ સાથે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આપણી ભારતભૂમિ એવી છે
જ્યાં વેદ-પુરાણકાળથી નારીઓની પૂજાનો મહિમા છે. અહીં નોંધનીય છે કે, રતાડિયાના આ બળાત્કાર-હત્યા કેસે ઉગ્ર પ્રત્યાઘાત જન્માવ્યા હતા. કચ્છના ગામડાંમાં
સમરસતાનો-ભાઇચારાનો માહોલ છે. અનેક વડીલો ગ્રામજનોને ભરોસે વતનમાં એકલવાયું જીવન વીતાવે
છે. આ ઘટનાએ એટલે જ દેશ-દેશાવરમાં વસતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. અધિક
જિલ્લા સેશન્સ કોર્ટના કડક ચુકાદાએ એક ધરપત સાથે સંદેશ આપ્યો છે કે, કાયદો અપરાધી સાથે યોગ્ય ન્યાય કરે છે. કચ્છ પોલીસે પ્રકરણની તપાસ સઘનતાથી
કરી અને ત્રણ વર્ષમાં જ ચુકાદો આવ્યો એ ન્યાયતંત્રની સંવેદનશીલતા દર્શાવે છે. કચ્છના ઇતિહાસમાં ફાંસી થઇ હોય એવા
કેટલાક ચૂકાદા અગાઉ આવી ચૂક્યા છે. સિનિયર
ધારાશાત્રીઓના જણાવ્યા પ્રમાણે 1987-88માં વાગડના એક ડબલ મર્ડર કેસમાં ફાંસીની સજા થઇ હતી, એ પછી નેવુંના દાયકામાં આરડીએક્સ પ્રકરણમાં
કચ્છની અદાલતે પાકિસ્તાનીઓને ફાંસીની સજા ફટકારી હતી. જો કે, પાછળથી ગુજરાતની વડી અદાલતે તેને આજીવન કારાવાસમાં પલટાવી હતી. એ પછી 2018માં ગાંધીધામની કોર્ટે માતા
અને બહેનને મોતને ઘાટ ઉતારનાર એક મહિલાને ફાંસી ફટકારી હતી. દુષ્કર્મ-હત્યાના કેસમાં
પ્રથમ ફાંસીની સજા થઇ છે રતાડિયાની ઘટનાના ચુકાદાથી અસામાજિક-અપરાધિક તત્ત્વોને સબક
મળશે, સાથે સમાજમાં ધરપતની લાગણી પ્રસરશે એવી આશા
રાખી શકાય.