• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

અકસ્માતમાં દંપતી અને પુત્રીનાં મોતથી અરેરાટી

નખત્રાણા, તા. 16 : આજે વહેલી સવારે અમદાવાદથી નખત્રાણા લગ્ન પ્રસંગે આવતો પાટીદાર પરિવાર પીંખાયો હતો. ધાવડા અને દેવપર વચ્ચે કાર-ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ઘનશ્યામ અરજણભાઇ કેશરાણી (ઉ.વ.47) અને તેમના પત્ની કલ્પનાબેન (ઉ.વ.45)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે દંપતીની પુત્રી આશ્વી (ઉ.વ.23)નું ગંભીર ઇજાનાં પગલે ભુજમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. ઘનશ્યામભાઇના વૃદ્ધ પિતા અરજણભાઇ કરશન કેશરાણીને મૂઢમાર જેવી સામાન્ય ઇજા પહોંચી છે. લગ્ન પ્રસંગ વચ્ચે આ કરુણ બનાવથી પરિવાર અને પાટીદાર સમાજમાં અરેરાટી વ્યાપી છે. આ કરુણ અકસ્માત અંગે નખત્રાણા પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ધાવડાથી દેવપર માર્ગે જઇ રહેલી ટ્રક નં. જીજે-12ડબલ્યુ-6590નું ટાયર ફાટતાં લથડેલી ટ્રક સાથે અમદાવાદથી આવી રહેલા પાટીદાર પરિવારની કાર નં. જીજે-01-ડબલ્યુએચ-3345 ટકરાતાં કારના ફુરચા ઊડી ગયા હતા. મૃતકો તથા ઇજાગ્રસ્તોને મુશ્કેલીથી બહાર કઢાયા હતા. હતભાગીઓના પરિવાર નીકટના ધર્મેન્દ્રભાઇ કેશરાણીએ દુ:ખદ ઘટનાની વિગત આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદ નરોડા ટીમ્બરનો વ્યવસાય કરતો હતભાગી પરિવાર નખત્રાણા સંબંધીના લગ્ન પ્રસંગે આવી રહ્યો હતો, ત્યારે નખત્રાણા પહોંચવામાં માત્ર આઠ કિ.મી. જેટલું અંતર બાકી હતું, ત્યાં જ કુદરતની ક્રૂરતાએ પરિવારને પીંખી નાખ્યો હતો. ત્રણેય મૃતકને અંતિમવિધિ માટે સેવાભાવી જોશી મિતેશ જિતેન્દ્રભાઇની પોતાની એમ્બ્યુલન્સ વાહનમાં અમદાવાદ લઇ જવાયા હતા. 

Panchang

dd