• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

જસ્ટિસ વર્માનું રાજીનામું

નોટકાંડમાં ભારે બદનામી થયા પછી દિલ્હી હાઇકોર્ટમાંથી અલાહાબાદ હાઇકોર્ટમાં બદલાવાયેલા જસ્ટિસ શર્માએ મોડે મોડે રાજીનામું આપી તેમની સાથે થનારા મહાભિયોગથી હટી ગયા છે. તેમનું રાજીનામું એ માત્ર પદ છોડવાની વાત નથી, પણ ભારતીય ન્યાયતંત્ર પર લાગેલા એક ડાઘની સ્વીકૃતિ પણ છે. હંમેશાં પોતાના ચુકાદાથી લોકોમાં આદરભર્યું સ્થાન મેળવનારા ન્યાયતંત્રના એક જજનાં ઘરે આગ લાગે અને તેમાં કોથળામાં ભરેલી રોકડ મળે એ કોઇ સામાન્ય અનિયમિતતાનો પ્રશ્ન નથી, નૈતિકતા અને શુચિતા સાથે જોડાયેલો સવાલ છે. નોટ મળવાની ઘટના હોળીની રાતે બની હતી. 2025માં બનેલી આ ચોંકાવનારી ઘટનાએ ઘણી તપાસ, બદલી અને ન્યાયિક કાર્યથી હટાવી દેવા સુધીના ઘટનાક્રમમાં પરિણમી હતી. તેમાં તેમની તત્કાળ અલાહાબાદ હાઇકોર્ટમાં કરાયેલી બદલીએ પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. ભારતીય લોકશાહીમાં ન્યાયતંત્રને સૌથી વધુ ભરોસાપાત્ર મનાય છે. લોકશાહીના ચાર સ્તંભ પૈકીના મહત્ત્વના એક સ્તંભ પર આ વિવાદે ઊંડી અસર કરી હતી. સૌથી મોટો સવાલ જવાબદેયીનો છે. બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિનું રાજીનામું પૂરતું છે કે પછી વધુ કડક કાર્યવાહી અને દાખલો બેસાડે તેવી સજા જરૂરી છે? સંસદમાં મહાભિયોગ લાવવો એક રસ્તો છે, પણ તેમાં રહેલી જટિલતા અને લંબાણભરી પ્રક્રિયાને લીધે અપ્રભાવી બની જાય છે. અહીં નોંધનીય છે કે, જસ્ટિસ વર્માએ પ્રતિક્રિયામાં આરોપોને કાવતરું લેખાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની તપાસમાં તેમને દોષી ઠેરવાયા હતા. આવા વિરોધાભાસી દાવાની વચ્ચે પારદર્શિતા અને નિષ્પક્ષતાની માંગ થાય એ ખોટું નથી. જસ્ટિસ વર્મા સામે થયેલી તપાસ સાર્વજનિક થશે એ પણ એક સવાલ છે. દેશની જનતાએ એ જાણવાનો અધિકાર પણ છે કે ખરેખર સાચું શું છે ? જસ્ટિસ વર્માની ઘટનાએ સુપ્રીમ કોર્ટની ઈનહાઉસ પ્રણાલી સામે પણ પ્રશ્નો ઊભા કર્યા છે, અદાલતની કાર્યપ્રણાલી સામે ઊઠતા પ્રશ્નોનો નિષ્પક્ષ ઉકેલ લાવી શકે એવી વ્યવસ્થા ગોઠવવી પડશે. બહારની તપાસના આધારે નિર્ણયો લેવાય એ સ્થિતિનો સામનો કરવો પડશે. દેશના ન્યાયતંત્રની તાકાત તેની નૈતિક વિશ્વસનિયતા પર ટકેલી છે. જો એ જ નબળી પડવા લાગે તો આખા લોકશાહી માળખાં પર તેની અસર પડશે, તેથી આ નોટકાંડને એક દુર્ઘટના સમજીને ભુલાવી દેવી યોગ્ય નથી, પણ તેને ચેતવણીજનક માનવી જોઈએ. હવે ન્યાયતંત્રમાં મજબૂત સુધારાની પણ જરૂર છે. ન્યાયધીશ માટે આચારસંહિતાને વધુ કડક બનાવવી પડશે. નિયુક્તિ અને દેખરેખની કાર્યપદ્ધતિ વધુ પારદર્શી કરવી પડશે અને સૌથી મહત્ત્વનું કામ આવા આરોપ સાબિત થાય ત્યારે તેના પર ત્વરિત અને કડક કાર્યવાહી થવી જોઈએ. ન્યાયતંત્રની સ્વતંત્રતા જેટલી મહત્ત્વપૂર્ણ અને એટલી જ મહત્ત્વની તેની જવાબદારી પણ છે. 

Panchang

dd