• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

પૂર્વ કચ્છ પોલીસે બે દરોડામાં 5.86 લાખનો દારૂ કર્યો જપ્ત

ગાંધીધામ, તા. 16 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ અંગેની બે જુદી-જુદી કાર્યવાહી કરીને રૂા. 5,86,560ના શરાબ સાથે એક શખ્સને પકડી પાડયો હતો, જ્યાર બે શખ્સ હાથમાં આવ્યા નહોતા. સામખિયાળીમાં રહેનારા ભાવેશ બાબુલાલ મારાજ (સાંખલા) નામનો શખ્સ મારુતિ ગેરેજથી દલિતવાસ સ્મશાન તરફ જવાના રસ્તાની બાજુમાં દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરવાની પેરવીમાં હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસની મોડી રાત્રિની આ કાર્યવાહીમાં ભાવેશ મારાજને પકડી પાડવામાં આવ્યો હતો. અહીં પડેલી પ્લાસ્ટિકની થેલીઓ તપાસતાં તેમાંથી રોયલ ચેલેર્ન્જસ 180 મિ.મી.ના 1008 ક્વાર્ટરિયા કિંમત રૂા. 3,22,560નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂ તેને ગામનો ભાવેશ રાયધણ મણકા નામનો શખ્સ આપી ગયો હતો તેને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. વધુ એક કાર્યવાહી અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીના સોનલનગર વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં મકાન નંબર 66માં રહેનારા રમેશપુરી શંકરપુરી ગોસ્વામી નામના શખ્સે  મકાનમાં દારૂ સંતાડયો હોવાની પૂર્વ બાતમીના  આધારે પોલીસ ત્રાટકી હતી, જ્યાં આ શખ્સ ગેરહાજર મળ્યો હતો, પરંતુ મકાનમાંથી બ્લેન્ડર્સપ્રાઈડની 750 મિ.મી.ની 132 બોટલ કિંમત રૂા. 2,64,000નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. અહીંથી ગઢવી મંગલાબેન બુધાભાઈ નામનું લાઈટબિલ પોલીસે કબજે લીધું હતું. હાથમાં ન આવેલા રમેશપુરીને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd