નવી દિલ્હી, તા. 16 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ લોકસભામાં મહિલા અનામત વિધેયક ઉપર ચર્ચાની શરૂઆત કરતા કહ્યું હતું કે, વિકસિત ભારતનો અર્થ માત્ર સડક, રેલવે અથવા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આંકડા નહીં, પણ તેનો
અર્થ એવો પણ છે કે, નીતિ નિર્ધારણમાં દેશની અડધી વસ્તીને હિસ્સેદાર
બનાવવામાં આવે. સીમાંકનને લઈને દક્ષિણનાં રાજ્યોને નુકસાન થવાની ચર્ચા અને આક્ષેપોનો
દેખીતો જવાબ આપતાં વડાપ્રધાને કહ્યું હતું કે, સીમાંકનમાં કોઈ
રાજ્ય સાથે ભેદભાવ થશે નહીં એ મોદીની ગેરંટી છે. આપણે પહેલાં જ ઘણો વિલંબ કરી ચૂક્યા
છીએ અને હવે સ્વીકાર કરવો પડશે એમ જણાવી પીએમ મોદીએ કહ્યું હતું કે, મહિલા અનામતનો વિરોધ કરનારા લોકોને મહિલાઓ ક્યારેય માફ કરશે નહીં. લાંબો સમય
આવા વિરોધની કિંમત ચુકવવી પડશે. સીમાંકનની
પ્રક્રિયામાં કોઈ પણ રાજ્ય સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં, જેની
તેઓ ગેરંટી આપી રહ્યા છે અને વચન આપી રહ્યા છે. મહિલા અનામતથી કોઈ એક પક્ષને નહીં,
પણ તમામને ફાયદો થશે. એક રાષ્ટ્રનાં રૂપમાં વિચાર કરવો તમામની જવાબદારી
છે. કાશ્મીર હોય કે કન્યાકુમારી હોય ટુકડે ટુકડે વિચારી શકાય નહીં અને નિર્ણય પણ લઈ
શકાય નહીં. માત્ર રાજનીતિક લાભ માટે જે હંગામો થાય છે તે અયોગ્ય છે. પીએમએ કહ્યું હતું
કે, આપણું સૌભાગ્ય છે કે દેશની અડધી આબાદીને રાષ્ટ્ર નિર્માણની
નીતિ બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરવાની તક મળી રહી છે. બધા મળીને દેશને નવી દિશા
આપવા જઈ રહ્યા છે તેમજ શાસન વ્યવસ્થાને સંવેદનશીલતાથી ભરવાનો એક સાર્થક પ્રયાસ કરવા
જઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ મંથનમાંથી જે અમૃત
નીકળશે, તે મહિલાઓનાં સશક્તીકરણને નવી ઊંચાઈ આપશે અને દેશની રાજનીતિની
દશા અને દિશા પણ નક્કી કરશે. મહિલાઓને મળનારા અધિકારોનો જેણે જેણે વિરોધ કર્યો છે,
તેઓને ક્યારેય મહિલાઓને માફ કર્યા નથી. તેઓની હાલત ખરાબ કરી છે. જો કે,
2024ની ચૂંટણીમાં આવું બન્યું નથી.
કારણ કે, કોઈએ પણ મહિલા અનામતનો વિરોધ કર્યો નહોતો. મહિલા
અનામતનો નિર્ણય કોઈના પક્ષમાં નહીં, પણ દેશના લોકતંત્રના પક્ષમાં
જશે. જેની ક્રેડિટ માત્ર મોદીને નહીં, પણ તમામને લોકસભામાં પીએમ
મોદીએ વિપક્ષ ઉપર આકરો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, અનામતના મુદ્દે તેઓ પોતાનું પદ ગુમાવવાના ડરથી સહયોગ આપી રહ્યા નથી. પંચાયતોમાં
અનામત આપવામાં આવે છે કારણ કે તેમાં પોતાનું પદ જવાનો ડર રહેતો નથી. આ જ કારણે પંચાયતોમાં
અનામત 50 ટકા સુધી પહોંચી ગઈ છે. લાખો
બહેન પંચાયતોમાં કામ કરી ચૂકી છે અને હવે નિર્ણય પ્રક્રિયામાં સામેલ થવાની માગણી કરી
રહી છે. લોકસભામાં પીએમ મોદીએ સીમાંકનને લઈને સ્પષ્ટ ભરોસો આપ્યો હતો અને કહ્યું હતું
કે, સીમાંકન પ્રક્રિયામાં કોઈ પણ રાજ્ય સાથે કોઈ
ભેદભાવ કરવામાં આવશે નહીં. સીમાંકન એક નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા હશે અને તેમાં
દરેક રાજ્યના હિતનું પૂરું ધ્યાન રાખવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે, 25-30 વર્ષ પહેલાં કોઈએ વિરોધ કર્યો, તો તેઓ ખૂબ જ નીચે ગયા હતા, જો કે હવે સ્થિતિ બદલાઈ છે અને હવે મહિલાઓ ઓપિનિયન લીડર છે અને તેઓ વોકલ છે.
મહિલાઓ જોશે અને પોતાનો મત વ્યક્ત કરશે. આ માટે વિરોધ કરનારા લોકોએ ધ્યાન રાખવું જોઈએ.
જમીન ઉપર નેતૃત્વ કરનારી મહિલાઓ અનામતનો વિરોધ કરનારાઓને માફ કરશે નહીં. મહિલા અનામતનો
વિરોધ કરનારા લોકોએ લાંબા સમય સુધી કિંમત ચુકવવી પડશે. લોકસભામાં કાળા કપડાં પહેરીને
વિરોધ પ્રદર્શન કરનારા ડીએમકેના નેતાઓ ઉપર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે,
તેઓ આભાર માને છે કે વિધેયકને ખરાબ નજરથી બચાવવા માટે તેના ઉપર કાળો
ટીકો કરી દીધો છે. - કોરો ચેક આપીશ, ફોટા છાપીને ક્રેડિટ લેજો... વિપક્ષોને મોદીની ટકોર : નવી દિલ્હી, તા. 16 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ બિલને રાજકીય ત્રાજવા પર ન તોલવું જોઈએ. હું
તેના માટે રાજકીય શ્રેય લેવા માગતો નથી. પીએમએ
વિપક્ષી પક્ષોને કહ્યું કે, જો તમે ઇચ્છો તો તમે તેનો શ્રેય લઈ
શકો છો, પરંતુ આ બિલ પસાર કરાવો. `હું તમને એક કોરો ચેક આપી રહ્યો છું. જો
તમને ક્રેડિટ જોઈતી હોય, તો અમે સરકારી
ભંડોળનો ઉપયોગ કરીને તમારા ફોટા છાપવા માટે તૈયાર છીએ.'