કોટડા (ચકાર), તા. 16 : ભુજ તાલુકાના
ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરગવાની ખેતી પ્રત્યે ખેડૂતોનો ઝોક-રસ નોંધપાત્ર
રીતે વધી રહ્યો છે. કોટડા ચકાર, ભુજોડી,
માધાપર, રેહા સહિતના વિસ્તારોમાં ખેડૂતો પરંપરાગત
પાકોની સાથે સરગવાની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સરગવાની ખેતી
માટે રેતાળ તથા ગોરાડુ જમીન અનુકૂળ રહે છે. ખાસ કરીને વાડીના શેઢા-પાળાની જમીન સરગવાના
વૃક્ષ માટે વધુ અનુકૂળ ગણાય છે. ઓછી જમીનમાં અને ઓછા ખર્ચે પણ સરગવાની ખેતી કરી શકાય
છે, જેના કારણે ખેડૂતો માટે આવકનો સારો વિકલ્પ બની રહ્યો છે.
એક એકરમાં 15થી 20 ટન જેટલું શીંગનું ઉત્પાદન
થવાની સંભાવના રહે છે. ઘણા ખેડૂતો જૈવિક પદ્ધતિઓ અપનાવીને ગાયના ગોબર અને ગૌમૂત્રથી
બનેલા દેશી જીવામૃતનો ઉપયોગ ખાતર તરીકે કરે છે. સમયાંતરે પાણી આપવું તેમજ ઝીણી જીવાતથી
બચાવવા દવા છંટકાવ કરવો જરૂરી બને છે. આહારની દૃષ્ટિએ પણ સરગવાની શીંગને વિશેષ સ્થાન
મળ્યું છે. ઈડલી, વિવિધ દાળ-શાક
તેમજ સરગવાના શાકભાજીના શોખીનો બજારમાં સરગવાની શીંગ મોંઘા ભાવે પણ ખરીદી તેનો ઉપયોગ
કરતા હોય છે, જેના કારણે બજારમાં તેની માંગ સતત જોવા મળે છે.
ભુજ તાલુકાના કોટડા ચકાર, માધાપર, ભુજોડી
સહિતના ગામોના ખેડૂતો ખેતી ક્ષેત્રે નવા પ્રયોગો કરીને ઓછી મહેનત અને ઓછા ખર્ચે વધુ
ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કૃષિ નિષ્ણાતોના મત મુજબ યોગ્ય માર્ગદર્શન અને
સંભાળ સાથે સરગવાની ખેતી ખેડૂતો માટે આવકનો સારો વિકલ્પ બની શકે છે.