`આશા અમર છે' એવી ઉક્તિ દેશના અનેક માધ્યમોના સમાચારની હેડલાઈન બની, વૈવિધ્યસભર ગીતોના ગાનાર વિખ્યાત ગાયિકા આશા ભોંસલેએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. હિન્દી સિનેમા ક્ષેત્રનો એક અલાયદો, અલ્લડ અવાજ કાળના પ્રવાહમાં વિલીન થઈ ગયો. `તેમના ગીતો થકી તેઓ અમર રહેશે' એ શ્રદ્ધાંજલિમાં બોલાતું-લખાતું સાધારણ વિધાન છે, વાસ્તવ તો એ છે કે, તેઓ આપણી વચ્ચે નથી. તેમણે ગાયેલાં ગીતો વર્ષો સુધી કાન અને મનમાં ગૂંજશે તે એટલું જ સાચું છે. એક કલાકારની સિદ્ધિ-સફળતા કરતાં પણ આશા ભોંસલેના જીવનને જોઈએ તો એક વ્યક્તિની સંઘર્ષમય સાર્થકતા વધારે ઉલ્લેખનીય બને છે. 1933ની આઠમી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં પંડિત દીનાનાથ મંગેશકરના સાંગીતિક પરિવારમાં જન્મેલા આશા મોટી બહેન લતા, ભાઈ હૃદયનાથની જેમ સંગીતના સંસ્કાર ન પામે તો જ નવાઈ. લતાજી તો ફિલ્મસંગીત ક્ષેત્રે એક દંતકથાનો દરજ્જો પામ્યાં છે. આશાએ તેમનો પોતાનો માર્ગ લીધો અને શિખર સિદ્ધ કર્યું એટલું નહીં કેટલાક સંદર્ભે તો શિખર સ્થાપ્યાં એમ કહેવામાં અતિરેક નથી. પારાવાર આર્થિક સંઘર્ષ, સામાજિક પડકારોથી તેમનું જીવન ભર્યું હતું. ભાઈ-બહેનો નાના હતા ત્યારે જ પિતા વિદાય લઈ ગયેલા. મુંબઈ પહોંચીને બધાએ પોતાની કારકિર્દીનો માર્ગ પોતે જ બનાવ્યો. નિયતિને આશાના માર્ગમાં અન્ય પડકારો પણ મૂકવા હશે. 13 વર્ષની વયે તેમણે પ્રથમ લગ્ન કર્યાં અને તે પણ પરિવારમાં કોઈને જાણ કર્યા વગર. તે પછીનો તેમનો સંઘર્ષ જાણીતો છે. આશા, ગણપતરાવ ભોંસલેથી છુટ્ટા પડયા તે પછી પણ તેમણે કાયમ પોતાની એ જ ઓળખ-અટક જાળવી. બોલીવૂડ કહેવાતા હિન્દી સિનેમા ક્ષેત્રના પાર્શ્વ ગાયનને જો કે, તેમણે અલાયદી ઓળખ આપી. તેમણે જ્યારે પાર્શ્વગાયન ક્ષેત્રે પગરણ કર્યાં ત્યારે રાજકુમારી, સુરૈયા, જોહરાબાઈ અંબાલેવાલી, શમશાદ બેગમ, ગીતા દત્ત અને લતા મંગેશકર જેવા મહાન સ્વર ગૂંજતા હતા. આ તમામની ઉપસ્થિતિમાં આશાએ પોતાના ગાયનની ઉપસ્થિતિને પ્રાસંગિક બનાવ્યું, તેઓ પોતે પાર્શ્વગાયનનું એક વ્યાકરણ બનતાં ગયાં. આઈએ મહેરબાં (હાવડાબ્રિજ) મુડ મુડ કે ન દેખ (શ્રી 420) જેવાં ગીતો છે જે લતાજીની ગાયકીની સાદગી અને શમશાદ બેગમના ગાયનના અણિયાળાપણાની વચ્ચે છે. આશાજીના ગાયનનો વિશેષ કહો કે, તેમને કુદરત તરફથી મળેલી ભેટ, તેમના અવાજે 60ના દશકમાં તો એક જાદુ સર્જ્યો હતો. સંગીતકાર ઓમપ્રકાશ નય્યર અને આશા ભોંસલેએ હિન્દી સિનેમામાં જે ગીતો આપ્યાં તે આજની પેઢી સુધી ગવાતાં-સંભળાતાં આવ્યાં. 1954થી તેમણે સાથે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ દિલીપકુમાર અભિનિત `નયા દોર' અને તેમાં પણ `માંગ કે સાથ તુમ્હારા' ગીતથી એક અલગ આભા ઊભી થઈ. તેમના અવાજમાં પ્રેમ, પ્રતીક્ષા, વિરહ, મિલન, બહલાવ એવા બધા ભાવ હતા. ઓ.પી. નય્યર, ખય્યામ અને આર.ડી. બર્મને આશાજીના અવાજની ખૂબીઓનો ભરપૂર સદુપયોગ કર્યો. ભારતીય ફિલ્મસંગીતનું મૂલ્યાંકન થશે, ત્યારે `આશા-નય્યર યુગ' તરીકે એક સમયને ઓળખવો યથોચિત ગણાશે. `ઉમરાવજાન' ફિલ્મમાં ખય્યામે પણ આશા ભોંસલેની ગાયનકળાના તમામ પાસાં ખોલી આપ્યાં. આશા ભોંસલેએ ગુજરાતી ફિલ્મોમાં પણ દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસના સ્વરાંકનો ગાયાં. ગુજરાતી સિનેમા ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર યોગદાન છે. આશા ભોંસલેની વિદાય વખતે `િદલ અભી ભરા નહીં...' કહેવાનું તો યોગ્ય છે, પરંતુ અગત્યનું એ છે કે, સંઘર્ષ, પ્રતિકૂળતા, પડકારોની વચ્ચે પણ તેઓ અને તેમનો પરિવાર સતત કળાયાત્રા કરતો રહ્યો, તે જોતાં આ આશા અમર રહેશે.