• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ભુજમાં નરનારાયણદેવનો 203મો પાટોત્સવ ઊજવાશે

ભુજ, તા. 16 : અહીંના સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણદેવના આગામી તા. 21 એપ્રિલના 203મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાનયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો તા. 17 એપ્રિલથી પ્રારંભ કરવામાં આવશે જ્યારે તા. 21 એપ્રિલના પૂર્ણાહુતિ કરાશે. કથાનાં પ્રારંભ પૂર્વે ગુરુવારે શહેરનાં સ્મૃતિ મંદિર ખાતેથી વાજતે-ગાજતે પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં એક બગીમાં ભગવાન સ્વામિનારાયણ અને બીજી બગીમાં સંતો બિરાજમાન થયા હતા. પટેલ ચોવીસીની કીર્તન મંડળીએ રૂટ ઉપર કીર્તનની રમઝટ બોલાવી હતી, તો મહિલા બેન્ડ અને પાઈપ બેન્ડએ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. બહોળી સંખ્યામાં પોથીઓ સાથે યજમાનો પોથીયાત્રામાં જોડાયા હતા.  આ તકે વધુ માહિતી આપતાં મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી આગામી તા. 21 એપ્રિલના નિજ મંદિરમાં બિરાજમાન નરનારાયણદેવનો 203મો પાટોત્સવ ઊજવાશે, જેનો આવતીકાલે શુક્રવારથી પ્રારંભ કરાશે. કથાનાં વક્તા તરીકે શા. સ્વામી આનંદવલ્લભદાસજીશા. સ્વામી પ્રેમવલ્લભદાસજી, શા. સ્વામી કૃષ્ણવલ્લભદાસજી કથાનું રસપાન કરાવશે, તેમની સાથે સ્વામી વાસુદેવપ્રિયદાસજી અને સ્વામી નીલકંઠમુનિદાસજી સંગીતમાં સાથ આપશે, જ્યારે સભા સંચાલન શા. સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજી કરશે. આ પાંચ દિવસીય મહોત્સવ દરમ્યાન યોજનારી કથાના પૂર્વે સ્મૃતિ મંદિરથી વાજતે-ગાજતે પોથીયાત્રા કાઢવામાં આવી હતી. આવતીકાલે તા. 17ના સવારે સ્થાપન પૂજન બાદ મહંતસ્વામી આદિ વડીલ સંતોના હસ્તે કથાનો પ્રારંભ કરાવાશે. તા. 18ના સાંજે ઘનશ્યામ જન્મોત્સવ ઊજવાશે. રાત્રિના મહારાસોત્સવમાં નિશાદભાઇ સોની એન્ડ ગ્રુપ રમઝટ બોલાવશે. તા. 19ના શ્રીહરિ ભુજ આગમન પ્રસંગ ઊજવાશે. સાંજે સત્સંગ ડાયરો, તા. 20ના સાંજે ફૂલદોલોત્સવની ઉજવણી કરાશે. બપોરના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ હાજર રહેશે. તેઓના હસ્તે તા. 21 એપ્રિલના સવારે 6:30 કલાકે ઠાકોરજીનો અભિષેક અને બાદમાં અન્નકૂટ ઉત્સવ આરતી કરાશે. તે પૂર્વે પ્રસાદી મંદિરેથી ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવશે. કથા શ્રવણનો સમય સવારે 8:30થી 11:00 અને બપોરે 3:30થી 6:30 રહેશે.  

Panchang

dd