નવી દિલ્હી, તા. 16 : પાકિસ્તાનની
ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને તેની સેનાએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પાસે 70 આતંકવાદી લોન્ચપેડ સક્રિય કરી
દીધા છે. જ્યાં લગભગ 800 આતંકવાદીને
ઘૂસણખોરી કરાવવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન એક પાકિસ્તાની અધિકારીએ એવો
ખુલાસો પણ કર્યો છે કે હમાસને પાકિસ્તાની સેના દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. જે
ઈઝરાયલ અને ભારત બન્ને માટે ચિંતાનો વિષય છે.
ગુપ્તચર ઈનપુટ અનુસાર આતંકવાદીઓને નાના મોટા સમૂહમાં વહેંચીને જમ્મુ કાશ્મીરમાં
એક સાથે ઘણી જગ્યાએથી ઘૂસણખોરી કરાવવાની યોજના છે. જેથી ભારતીય સુરક્ષા દળો ઉપર દબાણ
બનાવી શકાય. દરેક સમૂહમાં 10થી 15 ટકા પ્રશિક્ષિત અને હથિયારબંધ
આતંકી સામેલ હોઇ શકે છે. જેનો હેતુ મોટા હુમલાને અંજામ આપવાનો છે. કહેવાય છે કે છેલ્લા
અમુક મહિનામાં ભારત દ્વારા ઘૂસણખોરીની કોશિશોનું કામ કરવામાં આવ્યા બાદ આતંકીઓએ રણનીતિમાં
બદલાવ કર્યો છે. રિપોર્ટ અનુસાર વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને ભારતમાં ચાલી રહેલી
રાજકીય ગતિવિધિનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન કાવતરાને અંજામ આપવા માગે છે. આ દરમિયાન
પાકિસ્તાન તરફથી જ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે હમાસના આતંકીઓને પોતાની વિવિધ
સૈન્ય છાવણીઓમાં તાલીમ આપવામાં આવી રહી છે. આ ખુલાસો પાકિસ્તાની સેનેટર મુશાહિદ હુસૈને
કર્યો હતો. આ વાત બાદ ઈઝરાયલ અને ભારત બન્નેની સુરક્ષા અંગે ચિંતા વધી છે. વધુમાં ખુલાસો
એવા સમયે થયો છે જ્યારે મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ છે અને ઈઝરાયલ કોઈપણ ભોગે હમાસને
ખતમ કરવા માગે છે. સેનેટર મુશાહિદ હુસૈન સૈયદે પાકિસ્તાની મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું
હતું કે, તેઓ એક દિવસ પહેલા પાકિસ્તાની નેવી વોર કોલેજમાં
હતા. જ્યાં પેલેસ્ટાઈનના બે કેડેટ હતા. પાકિસ્તાની સૈન્ય સંસ્થાનોમાં પેલેસ્ટાઈનના
લોકો મળી આવે છે અને તેઓને તાલીમ આપવામાં આવી રહી છે.