• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ભારતને યુદ્ધની નુકસાની; ગરીબીમાં વધારો થશે

મધ્ય-પૂર્વમાં અમેરિકા-ઇઝરાયલ વિરુદ્ધ ઇરાનના યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે ટ્રમ્પે સંઘર્ષ વિરામ એક પખવાડિયું લંબાવવાના આપેલા રાહતભર્યા સંકેત વચ્ચે સંયુકત રાષ્ટ્રના હેવાલે ભારતની ઊંઘ ઉડાડી દીધી છે. સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપીએ પશ્ચિમ એશિયા યુદ્ધની ભારત પર પડનારી અસર અંગે તૈયાર કરેલા હેવાલનું તારણ દર્શાવે છે કે, ખાડી યુદ્ધને લીધે ઉત્પન્ન પરિસ્થિતિના પ્રભાવમાં ભારતના 25 લાખ લોકો ગરીબીના કળણમાં ફસાઇ શકે છે. વિશ્વની આર્થિક મહાસત્તા બનવાના નિર્ધાર સાથે અગ્રેસર ભારતનાં સપનાંને યુદ્ધને લીધે મોટો ઝટકો લાગ્યો છે. યુએનડીપીનો હેવાલ કહે છે કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધ સંબંધિત ગતિવિધિ વધી જતાં માનવ વિકાસ પર તેનો નકારાત્મક પ્રભાવ પડશે. યુદ્ધના ઓછાયામાં દુનિયા ઇંધણની મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહી છે. ભારત સરકારના નિરંતર પ્રયત્નોને લીધે તેલ-ગેસનો પુરવઠો જાળવી શકાયો છે એ ખરું, પણ પરિસ્થિતિનો ગેરલાભ લેવામાં માહેર તત્ત્વોને લીધે ગેસ સિલિન્ડરના કાળાબજારના હેવાલ આવ્યા છે. ઇંધણ ઉપરાંત માલભાડાંમાં અને કાચા માલની કિંમત વધી જતાં લોકોની ઘરેલુ ખર્ચ શક્તિ ઘટી છે. ખાદ્ય અસુરક્ષિતતા પણ વધી છે. વળી વિકાસકામો માટે નિર્ધારિત સરકારી  બજેટ ઉપરે વધારાનું દબાણ આવ્યું છે. કચ્છ અને ગુજરાતમાં અનેક કોન્ટ્રાક્ટરોએ મુશ્કેલીમાં મુકાયા છે. ડામરનો પુરવઠો મળતો નથી અને ભાવમાં 40થી 45 ટકા જેટલો વધારો થઇ જતાં કામોનું ગણિત બગડી ગયું છે. વિકાસના કામો બંધ થતાં અને ફેક્ટરીઓની કામગીરી પણ આંશિક પ્રભાવિત  થતાં  રોજગારીની તકોને વિપરીત અસર થઇ છે. યુએનડીપીના હેવાલ મુજબ આખી દુનિયામાં 88 લાખ લોકો ગરીબીની ચપેટમાં આવે એવી દહેશત છે. તેમાં ભારતમાં આ અંદાજિત આંકડો 25 લાખનો છે. પશ્ચિમ એશિયામાં તણાવની પરિસ્થિતિને લીધે 299 અબજ ડોલરનું નુકસાન થયાની ભીતિ છે. ભારત જનસંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટો દેશ છે. 140 કરોડની વસતી સામે 25 લાખ આંકડો નાનો લાગે પણ વાસ્તવિકતા એ છે કે, તેનાથી ગરીબીનો દર નીચો જશે. મધ્ય-પૂર્વનું યુદ્ધ બે મહિનાથી વધુ લંબાઈ ચૂક્યું છે. સમાધાનના પ્રયાસોમાં સઘનતા નથી. બન્ને પક્ષોમાંથી કોઈ આક્રમકતા છોડવા તૈયાર નથી. આર્થિક નિષ્ણાતોનું સ્પષ્ટ કહેવું છે કે, ખાડી યુદ્ધ સમાપ્ત થઈ ગયા પછી પણ તેની અસરમાંથી બહાર આવતાં દુનિયાને દોઢ-બે વર્ષ લાગી જશે. યુએનડીપીના અહેવાલમાં ભારત માટેની ચિંતાનું કારણ એ છે કે, તેલ-ગેસ માટે આપણે અખાતી દેશોના ભરોસે છીએ. ભારત 90 ટકા ઈંધણ આયાત કરે છે. ખનિજ તેલ 40 ટકાથી વધુ અને રાંધણગેસ 90 ટકા પશ્ચિમ એશિયાથી આયાત કરે છે. રસાયણિક ખાતરનો 40 ટકા જથ્થો પણ પશ્ચિમ એશિયાથી આવે છે. વર્તમાન સ્થિતિમાં કોલસા આધારિત વીજળી પર નિર્ભરતા વધી છે. માર્ગ પરિવહન ભાડાંમાં વૃદ્ધિ, વિલંબ જેવા કારણોસર મોંઘવારીનો દર ઊંચો જઈ રહ્યો છે. જથ્થાબંધ મોંઘવારી વધીને 3.4 ટકા થઈ ગઈ છે. વિવિધ સ્તરે મોંઘવારી કાબૂમાં લેવા પ્રયત્નો તો થઈ રહ્યા છે, પણ તે બેઅસર છે. યુએનડીપીના હેવાલને ગંભીરતાથી લઈને ઉપાયો કરવા પડશે. સૌથી તીવ્ર જરૂરિયાત છે અખાતનું યુદ્ધ શાંત થાય. 

Panchang

dd