• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

સાઉદી-ભારત ભાગીદારી

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે મહત્ત્વના આઠ કરાર પર સમજૂતી કરવામાં આવી છે, જેમાં 50 અબજ ડૉલરના વેસ્ટ કૉસ્ટ રિફાઈનરી પ્રોજેક્ટનો અમલ ઝડપી કરવાનો સમાવેશ થાય છે. બંને દેશોએ સહયોગ માટે ઊર્જા, સંરક્ષણ, સેમિકન્ડક્ટર અને અવકાશ જેવાં ક્ષેત્રોને અલગ તારવ્યાં છે. ભારત સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી કાઉન્સિલની પહેલી બેઠકમાં બંને પક્ષ તેમના હાઈડ્રોકાર્બન્સના સંબંધની વર્તમાન સ્થિતિને `વ્યાપક ઊર્જા ભાગીદારી'માં રૂપાંતરિત કરવા સંમત થયા છે. ભારત અને સાઉદી અરબે સમુદ્રની અંદર કૅબલ સાથે પાવરગ્રીડ બનાવવા પર સહમતી વ્યક્ત કરી છે. સમુદ્રની અંદર ઈન્ટરકનેક્ટિંગ કૅબલ દૂરોગામી પરિણામવાળું સૌથી મહત્ત્વાકાંક્ષી, ટેક્નિકલ દૃષ્ટિએ પડકારભર્યું કામ છે. આ યોજનાની સફળતા બંને દેશોનાં અર્થતંત્રને એક સૂત્રમાં બાંધશે. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આ યોજના ગ્રીન ઍનર્જી માટે વૈશ્વિકગ્રીડના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્ત્વાકાંક્ષી `વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ' દૃષ્ટિકોણમાં પ્રથમ અૉફ શોર લિંક હશે. સાઉદી શહજાદા અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાનની ભારતની રાજકીય યાત્રા પછી સાઉદી અરબના સોવરેન વેલ્થ ફંડ, `પીઆઈએફ'થી ભારતની કંપનીઓને લાભ મળશે. આ ફંડ વિશ્વના સાત મોટા સોવરેન વેલ્થ ફંડમાંથી એક છે અને આ રાજ્યના રોકાણનું મુખ્ય માધ્યમ છે. ઊર્જાની માગ વધવા અને અૉઈલના વૈશ્વિક ભાવમાં તેજીના કારણે `પીઆઈએફ' વધ્યું છે અને આનાથી સાઉદી અરબને આવક વધારવામાં મદદ મળી છે. ભારતના પ્રકરણમાં સાઉદી અરબ ખાસ કરીને મૂળભૂત માળખામાં રોકાણ માટે એક રોકાણ રણનીતિ બનાવવા ઈચ્છે છે. જેમાં રિયલ એસ્ટેટ પણ સામેલ છે. પીઆઈએફએ ગયા વર્ષે કહ્યું હતું કે, તે ભારતમાં આગલાં ત્રણ વર્ષમાં ચાર અબજ ડૉલરથી વધુનું રોકાણ કરવા માગે છે. આમ ભારતમાં સાઉદીનું રોકાણ વધી શકે છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ બીજી વખત ભારતની રાજકીય મુલાકાત પર હતા. બંને દેશોની વચ્ચે ગાઢ થતી દોસ્તીને જોઈએ તો રોકાણથી પણ વધુ અસર અને લાભ છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણ અૉઈલ ક્ષેત્ર સુધી જ વધુ હતું.  પ્રથમ વેળા આમાં તેજીના સંકેત દેખાયા છે. બંને દેશો વચ્ચે વર્ષે 30 અબજ ડૉલરનો વ્યાપાર થાય છે જે મોટા ભાગે ક્રૂડ અૉઈલ અને એલપીજીથી સંકળાયેલો છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાતને પીએમ મોદીના મુસ્લિમ દેશો સાથે સંબંધો બહેતર બનાવવાના પ્રયાસોમાં મોટી કડી માનવામાં આવે છે. વીતેલાં કેટલાંક વર્ષોમાં મોદીને બહેતરીન યુએઈ, સાઉદી જેવા મુસ્લિમ દેશોના પોતાના મોટા સન્માનથી નવાજવામાં આવ્યા છે. મુસ્લિમ વર્ચસવાળા ખાડી દેશોથી બહેતર સંબંધ સામાજિક અને આર્થિક દૃષ્ટિથી પણ મહત્ત્વના છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang