સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી
ન્યાયાધીશોની બેઠકમાં તમામ ન્યાયાધીશોએ પોતાની સંપત્તિની વિગત જાહેર કરવા માટે
સંમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ મુજબ ન્યાયાધીશોએ સંકલ્પ કર્યો છે
કે, ન્યાયાધીશ
જ્યારે પણ પદભાર સંભાળે અથવા કોઈ મુખ્ય જવાબદારી સંભાળે, ત્યારે
તેમણે ચીફ જસ્ટિસ સમક્ષ સંપત્તિની જાહેરાત કરવી પડશે. તેના કારણે ન્યાયમંદિર
પ્રત્યે લોકોની આસ્થા વધશે. આમ પણ સુપ્રીમ કોર્ટને એવી સંસ્થા તરીકે લોકો માને છે,
જે સામાન્ય નાગરિકો માટે ન્યાયનું આખરી ચરણ છે, છતાં જસ્ટિસ શર્માનાં ઘરમાંથી મળેલી નગદીએ લોકોનાં મનમાં આશંકા જગાવી છે.
આમ તો ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ જાહેર કરવી જોઇએ એ વિષય ઘણો જૂનો છે. 1997માં
સુપ્રીમ કોર્ટે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો કે, દરેક ન્યાયાધીશે પોતાની સંપત્તિ અને દેણદારી
મુખ્ય ન્યાયાધીશને બતાવવી, પછી ફરી એવો પ્રસ્તાવ આવ્યો કે,
તેઓ ઇચ્છે તો સંપત્તિની વિગતો સાર્વજનિક કરી શકે છે. માહિતી
અધિકારના કાયદા હેઠળ પણ ન્યાયતંત્રને લાવવાની માંગ થતી રહી છે, પણ સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની ઇચ્છા હોય તો જ સાર્વજનિક કરી શકે એવી વાત
દોહરાવી હતી. આમ તો સરકારે પણ 2023માં ન્યાયાધીશોની સંપત્તિની
ઘોષણા અનિવાર્ય બનાવવાની ભલામણ કરી હતી,
પણ પછી વાત આગળ વધી નથી. ન્યાયાધીશોની માલમત્તાની માહિતી સાર્વજનિક
કરવાથી ન્યાયતંત્રમાં કહેવાતા `ભ્રષ્ટાચાર'ને દૂર કરી શકાશે એમ જો
માનવામાં આવે તો તે એક દિવાસ્વપ્ન જ લેખાશે! સફાઈ માટે અલગ જ માર્ગ શોધવો પડશે. આ
માટે સૌથી પહેલાં શાસકીય સુધારણા હાથ ધરવી પડશે. કારણ કે, આઈએએસ
અધિકારીઓ વિરુદ્ધના ભ્રષ્ટાચારના કેસો અટકતા નથી અને બીજા સરકારી અધિકારી
કર્મચારીઓની ભ્રષ્ટાચારની કહાનીઓનો પણ અંત આવતો નથી. આ ભ્રષ્ટાચારને લઈ
લોકકલ્યાણકારી યોજનાઓ પર અસર પડે છે અને સામાન્ય નાગરિકોને સરકારી વિભાગ દ્વારા
નાનાં-મોટાં કામમાં ભારે અડચણનો સામનો કરવો પડે છે. નોકરશાહીમાં વધતા
ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ તેઓને મળતું રાજકીય રક્ષણ છે. કાર્યવાહીનો કોઈ ભય નથી
રહેતો. ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની અમલ બજવણીમાં લાપરવાહી અને ભ્રષ્ટાચારનો ખાતમો
થવો જોઈએ એવી શાસકોની માનસિકતા જ નથી. સુનિયોજિત ભ્રષ્ટાચાર અંગે કહી શકાય કે,
જે નેતા કાયદા તૈયાર કરે છે તેની અમલ બજવણી કરવાનો અધિકાર પણ તેના
હાથમાં હોય છે. ભ્રષ્ટાચારી અમલદારશાહી વિરોધમાં કાર્યવાહીનો આદેશ પ્રધાન આપી શકે
છે. સીબીઆઈ પાસે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓના હજારો અહેવાલ ધૂળ ખાતા પડયા છે,
પણ તેઓ વિરુદ્ધ ક્યારેય પણ કોઈ કાર્યવાહી નથી થતી. ભ્રષ્ટાચારના
ખાતમા માટે નોકરશાહીમાં કાર્યવાહીનો ભય હોવો જોઈએ. સીબીઆઈને સ્વાયત્ત સંસ્થા
બનાવવી જોઈએ. આ સંસ્થા સરકારનાં નિયંત્રણમાંથી મુક્ત થઈ જનતાને ઉત્તરદાયી હોવી
જોઈએ. આ સંસ્થાને નિર્ણય લેવાનો અને તેની અમલ બજવણી કરવાનો અધિકાર હોવો જોઈએ. એક
આંતરરાષ્ટ્રીય સંગઠનના સર્વે અનુસાર 50 ટકા ભારતીય લોકોને પોતાનાં કામ
કરાવવા માટે લાંચ આપવી પડે છે. ભારતની નોકરશાહીની સરખામણીમાં થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, મલેશિયા, તાઈવાન, વિયેટનામ,
ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ જેવા વિકાસશીલ અને
પછાત દેશોની નોકરશાહી અધિક સક્ષમ છે. આ શરમજનક બાબત છે. ભ્રષ્ટાચાર કરવો અને લાંચ
માગવી એમાં ભારતીય સરકારી અધિકારીઓનું પ્રમાણ લગભગ 91 ટકા
વધુ છે. લોકશાહીના બે સ્તંભ આવા ભ્રષ્ટ હોય,
તો લોકશાહી સુદૃઢ છે એ કેવી રીતે માની શકાય?