• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

નથી જ સુધરવું પાકિસ્તાનને

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠન જૈશના બે આતંકી મર્યા છે, લશ્કરની આ સફળતા છે સાથે જ એ વાતની સાબિતી છે કે, પાકિસ્તાન પોતાની કરતૂતોમાંથી બહાર આવવા માગતું નથી. સુધરવાની તેની કોઈ મનશા નથી. બન્ને આતંકી પાકિસ્તાનથી ઘૂસ્યા હતા, સુરક્ષાબળોએ થોડા દિવસો પૂર્વે તેમના કેટલાક અન્ય સાથીઓને જમ્મુ વિસ્તારમાં જ ઘેરી લીધા હતા. પાકિસ્તાન તરફથી અહીં આવતા આતંકીઓ કાશ્મીરના કોઈ પણ હિસ્સામાંથી ઘૂસે, સુરક્ષાબળ તેમના ઈરાદાને મોટા ભાગે પાર પડવા દેતા નથી, પરંતુ સામે આપણે આપણા વીર સૈનિકોનાં બલિદાન આપવાં ન પડે તે પણ જોવું રહ્યું. કઠુઆમાં જ એવું થયું, આતંકીઓ સાથેના સંઘર્ષમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ચાર જવાને પ્રાણોની આહુતિ આપી. કઠુઆના જંગલમાં પાકિસ્તાનથી આતંકવાદીઓ ઘૂસ્યા, તેને શોધવા માટે ઓપરેશન હાથ ધરવું પડયું એ બતાવે છે કે, સીમાપારથી ઘૂસવા માટે હજી પણ તેઓ સમર્થ છે અને આ પ્રક્રિયા ચાલી રહી છે. પાકિસ્તાનની ફક્ત મદદ નહીં, મરજી વગર આ શક્ય નથી. એ વાત પણ આશાવાદ પ્રગટાવે છે કે, જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ ને આતંકવાદનું પ્રમાણ સાવ ઘટયું છે. એમ કહીએ કે, વળતાં પાણી શરૂ થયા છે તો અતિરેક નથી, પરંતુ પાકિસ્તાન તેમ છતાં પોતાની મેલી મુરાદ ત્યાગતું નથી. અલગાવવાદી જૂથો ધીમે-ધીમે મુખ્યધારાઓ તરફ વળી રહ્યા છે. નરી આંખે દેખાઈ રહેલી આ સ્થિતિને પાકિસ્તાન જોઈ શકતું નથી. કાશ્મીરમાં અને કાશ્મીરના માધ્યમથી ભારતમાં આતંક ફેલાવવાની તેની કોશિશો હવે કામ આવે તેવું નથી. તે પ્રત્યક્ષની જેમ હવે પરોક્ષ લડાઈમાં પણ પહોંચી શકે તેમ નથી, તેવું વાતાવરણ હોવા છતાં એવું નથી સમજતું કે આ નિરર્થક લડાઈ છે. ભારત માટેનો તીવ્ર અને અંધવિરોધ પાકિસ્તાને થયેલો અસાધ્યરોગ છે, ત્યાં લઘુમતિઓ-હિન્દુઓ ઉપર થતા હુમલા, તેમના પર થતું દમન તે વાતની સાક્ષી પૂરે છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આ તમામ સંદર્ભે કહેવું પડયું કે, પાડોશી દેશની કટ્ટર માનસિકતાને આપણે બદલી નહીં શકીએ. આ વાત સાચી પણ છે. કારણ કે, પાકિસ્તાન પોતે આર્થિક રીતે બેહાલ છે, સામાજિક પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે, છતાં કાશ્મીરને અશાંત કરવાનો કોઈ અવસર ચૂકતું નથી. આ સ્થિતિમાં હવે પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ ભારત તરફથી વધે તે જરૂરી છે. સાથે જ જમ્મુ કશ્મીરમાં આતંકવાદને ઉત્તેજન આપવાની કિંમત તેણે ચૂકવવી પડશે. ભારત હવે તેને પરચો નહીં બતાવે તો આ બધું તે બંધ નહીં કરે. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આ વાતને ઊંચા અવાજે લઈ જવાની સાથે પાકિસ્તાન સાથે પણ મક્કમ અવાજે વાત કરીને એવી રણનીતિનો અમલ કરવો પડશે કે તેને પ્રતીતિ થાય કે હવે જો આ હરકતો નહીં છોડીએ તો ચેનથી રહી નહીં શકીએ. 2019 પછી કાશ્મીરમાં સ્થિતિ ઘણી બદલાઈ છે, સુધરી છે. તે ટકાવવા અને વધારે સુધારવા માટે પાકિસ્તાનના બાકી રહેલા પ્રયાસોને પણ તદ્દન ખાળવા પડશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd