ભારત માટે પડોશી દેશો સાથેના સંબંધ સતત મહત્ત્વના રહ્યા છે.
એક તરફ પાકિસ્તાન સાથે મિત્રતાની કોઈ શક્યતા નજીકના ભવિષ્યમાં જણાતી નથી, તો બીજી તરફ બાંગલાદેશમાં સત્તા પલટા બાદ ત્યાં
ભારત વિરોધી વલણ ચરમસીમાએ છે. આ બધા દેશોને ચીન સહયોગના ઓઠા તળે પોતાની તરફ ખેંચીને
ભારત સામે એક ધરી ખડી કરવા સતત સક્રિય છે. આવામાં ભારતને આ રાજદ્વારી પડકારોને હળવા
બનાવવા બે ઓફ બેંગાલ ઈનિસિયેટિવ ફોર મલ્ટિ સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો ઓપરેશન
(બિમ્સટેક) દેશોની થાઈલેન્ડમાં યેજાયેલી શિખર મંત્રણાએ મદદ કરી હતી. ગયા સપ્તાહે યોજાયેલી
આ ચાવીરૂપ બેઠકમાં ભારત ઉપરાંત બાંગલાદેશ, ભૂતાન, થાઈલેન્ડ, નેપાલ, શ્રીલંકા અને
મ્યાંમારે ભાગ લીધો હતો. બિમ્સટેક દેશોના સમૂહમાં ભારત મોખરાનું સ્થાન ધરાવે છે. સ્વાભાવિક રીતે ભારત માટે બે દિવસની શિખર બેઠક રાજદ્વારી
રીતે એક તક સમાન બની રહી હતી. આ બેઠકમાં થાઈલેન્ડ અને મ્યાંમારમાં તાજેતરમાં આવેલા
વિનાશક ભૂકંપને ધ્યાનમાં લઈને કુદરતી આફતો સમયે રાહત કાર્યોને વધારવા, સભ્ય દેશોમાં વેપાર વધારવા, સરહદ સલામતીમાં સહયોગ વધારવા
તથા નશાના વેપારને રોકવા સહિતના મુદ્દા પર સંમતી સધાઈ હતી. આ શિખર સંમેલન દરમ્યાન ભારતના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભ્ય દેશો વચ્ચે સહયોગ વધારવા 21 મુદ્દાનો કાર્યક્રમ સૂચવ્યો
હતો. બંગાળની ખાડીને અડીને આવેલા દેશો ભારત માટે વ્યૂહાત્મક ઉપરાંત વેપારી મહત્ત્વ
ધરાવે છે. આ દેશો સાથે ભારતના સમાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ રહ્યા છે. જો
કે, આધુનિક સમયમાં ચીન
તેની વિસ્તારવાદી નીતિ અને ભારતને દબાણમાં રાખવાના વલણને ફળીભૂત કરવા આ દેશોમાં પોતાનો
પ્રભાવ વધારવા ભારે સક્રિય છે. હકીકત એવી છે કે, નેપાળમાં ડાબેરી
સરકાર સત્તામાં આવી જે ત્યારથી ત્યાં ચીનનો દબદબો છે, તો બાંગલાદેશ
અને મ્યાંમારમાં સત્તાપલટા બાદ ચીનનો પ્રભાવ વધી રહ્યો છે. બાંગલાદેશમાં ભારતવિરોધી
લાગણીઓને ભડકાવવામાં અને ત્યા પોતાની પકડ ઊભી કરવા ચીન સક્રિય બની ચૂક્યું છે. આવામાં
ભારતીય વડાપ્રધાને અન્ય દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ પણ યોજી હતી,
તેમણે બાંગલાદેશના મોહમ્મદ યુનુસ સાથે ચર્ચા કરીને તેમને ભારતવિરોધી
વિધાનો સામે સાવચેત કરવાની સાથોસાથ ત્યાં હિન્દુઓની સામેના અત્યાચારો અંગે ચિંતા પણ
વ્યક્ત કરી હતી. નેપાળના વડાપ્રધાન કેપી ઓલી સાથે પણ મોદીએ મંત્રણા કરી હતી, જેમાં ત્યાં ચાલી રહેલા રાજાશાહીની
તરફેણનાં આંદોલન અંગે ચર્ચા કરી હતી. નેપાળના આવા બનાવો ભારત માટે પણ ભારે મહત્ત્વ
ધરાવે છે. મ્યાંમારના લશ્કરીવડા જનરલ મિનઆંગ હાઈંગ સાથેની ચર્ચામાં ભારતીય વડાપ્રધાને
ત્યાં ભૂકંપના કપરા સમયમાં કરાઈ રહેલી મદદને ચાલુ રાખવાની હૈયાધારણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, મ્યાંમારમાં
લશ્કરે સત્તા પર કબજો કર્યો ત્યારથી તેના લશ્કરી
શાસકોને વૈશ્વિક મંચો પરથી મોટાભાગે બકાત રાખાતા આવ્યા છે. ભારત આ સંગઠનને વધુ અસરકારક
બનાવવા સતત રસ છે. સભ્યો દેશો વચ્ચે વ્યૂહાત્મક
સલામતી, વેપાર, માળખાકીય સુવિધાઓ
જેવા મુદ્દા પર સહયોગ વધારવા ભારત સતત મહેનત કરે છે, પણ આમાં
ચીનનો સીધો કે આડકતરો દોરીસંચાર અંતરાયરૂપ બની રહ્યો છે. ખાસ તો તાજેતરમાં અમેરિકાએ
વિશ્વમાં છેડેલા ટેરિફ જંગની સામે બિમ્સટેક
દેશોએ પરસ્પર નવી બજારો ખોલી આપવા પર વધુ ધ્યાન આપવાની તાતી જરૂરત છે.