• બુધવાર, 30 એપ્રિલ, 2025

ચાવીરૂપ કરારોથી ન્યૂઝીલેન્ડ સાથે મિત્રતા વધુ મજબૂત

ભારતની મુલાકાતે આવેલા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનની આ યાત્રા અન્ય રાષ્ટ્રાધ્યક્ષોની સરખામણીએ ઘણી બધી બાબતોએ અલગ અને વિશેષ બની રહી છે. બન્ને દેશો વચ્ચે સહકારના નવા કરારો તો થયા, પણ તેની સાથોસાથ જે રીતે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને તેમના દેશની ધરતી પરથી ભારત વિરોધી પ્રવૃત્તિ ચલાવવા ન દેવાનો વ્યક્ત કરેલો નિર્ધાર અન્ય દેશો માટે નમૂનારૂપ બની શકે તેમ છે. સોમવારે નવી દિલ્હીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મંત્રણાના દોર બાદ બન્ને દેશોએ સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત ખેતી જેવાં ક્ષેત્રોમાં સહકાર વધારનારા ચાવીરૂપ કરારો પર સહી કરી હતી. ખાસ તો મુક્ત વેપાર કરાર માટે બન્ને દેશોએ આગળ વધવાનો નિર્ણય પણ લીધો હતો. આ કરાર દ્વારા બન્ને દેશોને પરસ્પર વેપાર અને રોકાણની તકોને વધારવામાં મદદ મળી શકે તેમ છે. સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવાના નિર્ણય તળે બન્ને દેશો વચ્ચે સંયુક્ત તાલીમ અને અભ્યાસની સાથોસાથ શત્ર-સરંજામ ઉદ્યોગમાં ભાગીદારી વધારવાની તકો ઊભી કરવાના મુદ્દા ચાવીરૂપ છે. ખાસ તો બન્ને દેશો વચ્ચે રમતગમતના સંબંધોનાં આવતાં વર્ષે 100 વર્ષની ઉજવણી કરવાનો નિર્ણય પણ લીધો છે. આ સંદર્ભમાં રાજદ્વારી સંબંધોની સાથોસાથ બન્ને દેશોના નાગરિકો વચ્ચેના સંપર્કોને વધારવા આવાં આયોજન હાથ ધરાશે. ખાસ તો વિદેશની ધરતી પરથી ભારત વિરોધી અલગતાવાદીઓની વધી રહેલી પ્રવૃત્તિને ડામવા પર હવે ધ્યાન અપાઈ રહ્યંy છે, ત્યારે ન્યૂઝીલેન્ડમાં અમુક તત્ત્વો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિ ચલાવાઈ રહી હોવાની ચર્ચા પણ બન્ને દેશોએ કરી હતી. આ સંદર્ભમાં ન્યૂઝીલેન્ડ દ્વારા આવાં તત્ત્વો સામે કાર્યવાહી પણ હાથ ધરાઈ  હોવાની માહિતી અપાઈ હતી. હવે આ મુદ્દે સહયોગ વધારવા મંત્રણામાં સહમતી વ્યક્ત થઈ હતી. આમ, ભારત અને ન્યૂઝીલેન્ડે આતંકવાદની સામેના જંગમાં સહયોગ મજબૂત કરવા પણ સહમતી સાધી છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં સલામતીની જરૂરતોની સમયની માંગ અનુસાર બન્ને દેશ સહયોગ વધારવા હાથ મિલાવી રહ્યા છે.  ખાસ તો હિન્દ અને પેસિફિક સમુદ્રમાં સલામતીની સ્થિતિ સુધારવા બન્ને દેશ સહયોગ સાધશે. ખાસ તો વાટાઘાટોના ઉપયોગી દોરને લીધે સહયોગનું ચિત્ર વધુ ઊજળું બન્યું છે. ન્યૂઝીલેન્ડ સાથે થયેલા કરારો   ભારત માટે ભારે મહત્ત્વ ધરાવે છે. વિશ્વનાં રાજદ્વારી ચિત્રમાં બન્ને દેશ વચ્ચે વધી રહેલો સહયોગ ખરા અર્થમાં નોંધનીય બની રહ્યો છે.  ખાસ તો ન્યૂઝીલેન્ડે જે રીતે તેની ધરતી પરથી ભારત વિરોધી પરિબળોની સામે કાર્યવાહી કરવાનો કોલ આપ્યો છે, તે અન્ય દેશોને માટે બોધપાઠ સમાન બની રહે તેમ છે. ભારતે તેની મિત્રતા જાળવવાની અને તેને મજબૂત કરવાની નીતિરીતિથી વૈશ્વિક સ્તરે નામના વધારી હોવાનું ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનની મુલાકાતની ફળશ્રુતિ પરથી જણાઈ આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd