• શનિવાર, 07 માર્ચ, 2026

ટી-20 વિશ્વકપમાં ભારત કિવીઝ સામે જીત્યું નથી

અમદાવાદ, તા.6 :  ટી-20 વિશ્વકપના ખિતાબી જંગની તસવીર સાફ થઇ ગઇ છે. રવિવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વર્તમાન ચેમ્પિયન ભારતની ટક્કર ડાર્કહોર્સ ન્યૂઝીલેન્ડ સામે થશે. ટીમ ઇન્ડિયાએ ટી-20 વિશ્વ કપ ઇતિહાસમાં ચોથીવાર ફાઇનલમાં જગ્યા બનાવી છે અને ત્રીજા ખિતાબથી હવે ફક્ત એક જીત જ દૂર છે. ન્યૂઝીલેન્ડ ટીમ બીજીવાર ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. તેની નજર લિમિટેડ ઓવર્સના પહેલાં વિશ્વ કપ પર છે. ટીમ એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં ક્યારે પણ ન્યૂઝીલેન્ડ ટીમને હાર આપી શકી નથી. બન્ને ટીમ વચ્ચે ત્રણ ટક્કર થઇ છે. જે ત્રણેય મેચમાં કિવિઝ ટીમનો વિજય થયો છે. છેલ્લે ટી-20 વિશ્વકપમાં ભારત-ન્યૂઝીલેન્ડનો સામનો 2021માં થયો હતો, ત્યારે ન્યૂઝીલેન્ડનો આઠ વિકેટે વિજય થયો હતો. પહેલીવાર 2007ના વિશ્વકપમાં ટક્કર થઇ હતી, ત્યારે કિવિઝનો 10 રને વિજય થયો હતો. જો કે, એ વિશ્વકપમાં ભારતની ટીમ વિશ્વ વિજેતા બની હતી. એ પછી ટી-20 વિશ્વકપમાં ભારત-કિવિઝ ટીમ છેક 2016માં ટકરાઇ હતી, ત્યારે પણ કિવિઝનો 47 રને સરળ વિજય થયો હતો. આ આંકડા ભારતીય ટીમ માટે ફાઇનલ અગાઉ ચિંતાજનક છે.  આઇસીસી સ્પર્ધાની ફાઇનલમાં અગાઉ બન્ને ટીમની ટક્કર થઇ ચૂકી છે. પહેલીવાર વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી, ત્યારે ક્રિસ કેઇન્સના ઓલરાઉન્ડ દેખાવથી ન્યૂઝીલેન્ડનો ચાર વિકેટે વિજય થયો હતો. 26પ રનનો ટાર્ગેટ 49.4 ઓવરમાં ચેઝ કર્યો હતો. આ પછી છેક 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટક્કર થઇ હતી. આ મેચમાં કિવિઝ ટીમનો આઠ વિકેટે વિજય થયો હતો. છેલ્લે 202પ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-ન્યૂઝીલેન્ડ આમને-સામને હતા. ત્યારે ભારતીય ટીમનો વર્ચસ્વ સાથે ચાર વિકેટે વિજય થયો હતો. ટીમ ઇન્ડિયાએ 22 રનનો લક્ષ્યાંક 49 ઓવરમાં સર કર્યો હતો, આમ આઇસીસી ફાઇનલમાં હાલ ન્યૂઝીલેન્ડ ટીમ ભારતથી 2-1થી આગળ છે. અમદાવાદની લાલ અને કાળી માટી મિશ્રિત પીચ પર સ્પિનર્સનો દબદબો રહ્યો છે. આથી મેચ ઘણી રોમાંચક બની રહેશે કારણ કે બન્ને ટીમ પાસે સારા સ્પિન બોલર છે. ભારતની ચિંતા તેના નંબર વન મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીનું કંગાળ ફોર્મ છે. ગઇકાલે પણ ઇંગ્લેન્ડ ટીમે વરુણને ટાર્ગેટ કર્યો હતો. આથી ફાઇનલમાં કોચ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર વરુણ ચક્રવર્તીનાં સ્થાને કુલદીપ યાદવને ઇલેવનમાં તક આપી શકે છે. બીજો એક વિકલ્પ અર્શદીપના સ્થાને કુલદીપને અજમાવવાનો છે.  આઉટ ઓફ ફોર્મ અભિષેક શર્માને પણ ઇલેવન બહાર કરવાની ચર્ચા ચાલી રહી છે. તે સાત મેચમાં 89 રન જ કરી શક્યો છે. આ સ્થિતિમાં કુલદીપને અથવા રિંકુસિંહને તક મળી શકે છે. કુલદીપને આ સ્થિતિમાં તક આપવાથી બેટિંગ ઉંડાઇ ઓછી થશે. 

Panchang

dd