ભુજ, તા. 6 : કચ્છમાં સવારે અનુભવાતા ઝાકળિયા
અને દિવસે અનુભવાતા ઉકળાટભર્યા માહોલ વચ્ચે જિલ્લામાં તાપનો પ્રભાવ વધ્યો છે. જિલ્લા
મથક ભુજમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી ઊંચકાઈ 37.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. 37.2 ડિગ્રીએ ભુજ રાજ્યનું મોખરાનું ગરમ મથક બનતાં શહેરીજનોએ કાળઝાળ
ગરમી અનુભવી હતી. ભુજને બાદ કરતાં કચ્છનાં અન્ય મથકોમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો
જોવા મળ્યો હતો.સવારના ભાગે જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારમાં આકાશમાં વાદળોની હાજરી
જોવા મળવા સાથે ઝાકળવર્ષાનાં પગલે ભીનો માહોલ જોવા મળ્યો હતો. સવારના ભાગે ઝાકળિયો
પવન ફૂંકાતાં ઉકળાટભર્યા માહોલમાં રાહત આપતી ઠંડક અનુભવાઈ હતી. હવામાન વિભાગે કચ્છમાં
હીટવેવની કોઈ ચેતવણી જારી કરી નથી, પણ મહત્તમ પારો બેથી ત્રણ ડિગ્રી ઊંચકાય તેવી શક્યતા દેખાડી છે. ગરમ પવન ફૂંકાતા
આકુળવ્યાકુળ માહોલની અનુભૂતિ કચ્છના મોટાભાગના વિસ્તારમાં થશે. આગામી દિવસોમાં કચ્છમાં
ગરમી-ઉકળાટનું પ્રમાણ ક્રમશ: વધતું રહેશે, તેવું હવામાન નિષ્ણાતોએ
જણાવ્યું હતું.