• શનિવાર, 07 માર્ચ, 2026

પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું

નલિયા, તા. 6 : ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ બજારમાં બરફનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે. દૂષિત પાણીમાંથી બનેલા બરફના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ રહેતી હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા અને જનઆરોગ્યની જાળવણી માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી તથા અબડાસા તાલુકા આરોગ્ય અધિકારી ડો. મિથિલેશ સિંહાની સૂચના અનુસાર આરોગ્ય તંત્ર દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરાયું છે. જખૌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા જખૌ અને લાલા ગામે કાર્યરત બરફના કારખાનાઓમાં મેડિકલ ઓફિસર ડો. દિનેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી હતી. હેલ્થ સુપરવાઇઝર પિયૂષભાઈ અમીન અને આરોગ્ય કાર્યકર જયદીપ ઠાકોર દ્વારા પ્લાન્ટમાં વપરાતાં પાણીની શુદ્ધતા અને સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી. રોગચાળાને પૂર્વનિર્ધારિત રીતે રોકવા માટે જખૌ સહિત આસપાસના અલગ-અલગ 10 સ્થળોએથી પીવાનાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ સેમ્પલ્સને ભુજની અદાણી મેડિકલ કોલેજ ખાતે લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ પાણીની ગુણવત્તા સ્પષ્ટ થશે. આરોગ્ય કાર્યકરો દ્વારા ટેકો એપ્લિકેશન મારફતે ઓનલાઈન વસ્તીનું સર્વેલન્સ તેજ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, ઉનાળા દરમિયાન પીવાનાં પાણીની શુદ્ધતા બાબતે વિશેષ કાળજી રાખવી અને આરોગ્યની તપાસ કે સર્વેલન્સ માટે આવતા કર્મચારીઓને પૂરો સહકાર આપવો.  

Panchang

dd