• શનિવાર, 07 માર્ચ, 2026

નેપાળમાં `જેન-ઝી' સરકારનો રસ્તો સાફ

કાઠમંડુ, તા. 6 : ગયા સપ્ટેમ્બર મહિનામાં હિંસક જેન-ઝી વિરોધ પ્રદર્શનોમાં કે. પી. શર્મા ઓલીના નેતૃત્વવાળી સરકારને ઊથલાવી તે પછી યોજાયેલી નેપાળની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં રેપરથી રાજકારણી બનેલા બાલેન્દ્ર શાહની નવી રચાયેલી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) ભવ્ય જીત તરફ આગળ વધી રહી હતી. ભારત વિરોધી ઓલી મતગણતરીમાં પાછળ હતા અને પોતાના જ ગઢમાં હાર તરફ હતા. નેપાળ ચૂંટણીપંચના આંકડા મુજબ કુલ 165 મતવિસ્તારમાંથી 144નાં પરિણામ ઉપલબ્ધ હતા, જેમાં આરએસપીએ ત્રણ બેઠક જીતી હતી અને 104 પર આગળ હતી. નેપાળી કોંગ્રેસે બે બેઠક જીતી હતી અને 12 બેઠક પર આગળ હતી. સીપીએન-યુએમએલ 10 બેઠક પર આગળ હતી. નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીની એક બેઠક પર જીત થઈ હતી, જ્યારે છ પર આગળ હતી. નેપાળની સામાન્ય ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ત્યાંનાં ચૂંટણીપંચે 24 કલાકમાં 16પ બેઠકનાં પરિણામો જારી કરવાની ઘોષણા કરેલી છે. આ સાથે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, પહાડી ક્ષેત્રોમાંથી મતપેટીઓ એકત્ર કરીને મતગણતરી કેન્દ્ર સુધી પહોંચાડવાની કામગીરીમાં કમસેકમ એક દિવસનો સમય લાગી જાય છે, જેથી બાકીનાં પરિણામો ત્યારબાદ જાહેર થઈ શકશે. પ્રાથમિક તબક્કે ભારત વિરોધી કે.પી. શર્મા ઓલીનો પક્ષ ધોવાઈ ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. પ માર્ચે નેપાળમાં  યોજાયેલી સાધારણ ચૂંટણીમાં આશરે 60 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 6પ પક્ષના 3400 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. આ પહેલાં શરૂઆતી વલણોમાં રેપરમાંથી રાજનેતા બનેલા બાલેન્દ્ર શાહની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) 86 બેઠક ઉપર આગળ છે અને બીજા નંબર ઉપર નેપાળી કોંગ્રેસ 9 બેઠક ઉપર આગળ છે. ભારત વિરોધી કે.પી. શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ 3 અને શ્રમ શક્તિ પાર્ટી એક બેઠક ઉપર આગળ હોવાનું જાણવા મળે છે.  

Panchang

dd