• શનિવાર, 07 માર્ચ, 2026

દેશભરમાં રાંધણગેસ કટોકટીનું એલાન

નવી દિલ્હી, તા. 6 : ઇઝરાયલ અને ઇરાનનું યુદ્ધ લાંબું ચાલશે તો ભારતમાં ઇંધણની અછત અકળાવશે. આ જોખમને ગંભીરતાથી ધ્યાને લેતાં કેન્દ્ર સરકારે દેશમાં રાંધણગેસ કટોકટી ઘોષિત કરી દીધી હતી. મોદી સરકારે દેશની તમામ ઓઇલ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ આપી દીધો છે. મધ્ય-પૂર્વમાં વધતી તાણનાં પગલે ગેસના પુરવઠાને અસર થઇ  શકે છે. આ ખતરાને નજર સામે રાખતાં સરકારે ગઇકાલે ગુરુવારની રાત્રે આદેશ જારી કરીને રાતોરાત રાંધણગેસ કટોકટી જાહેર કરી દીધી હતી. સરકારે આદેશમાં રિફાઇનરી કંપનીઓને તેમની પાસે ઉબલબ્ધ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ માત્ર રાંધણગેસ બનાવવા માટે જ કરવાની સૂચના આપી હતી. તમામ કંપનીઓએ પ્રોપેન અને બ્યુટેન સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપીસીએલ) અને ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ)ને આપવા પડશે. દેશના લગભગ 33.2 કરોડ સક્રિય એલપીજી ગ્રાકોને કોઇ પણ જાતના અવરોધ વગર ગેસ સિલિન્ડર મળતા રહે તેવા હેતુ સાથે સરકારે આ નિર્ણય લીધો છે. સરકારના આ ફેંસલાની અસર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત ખાનગી ક્ષેત્રની કંપનીઓ પર પડશે. કંપનીઓના નફાનો ગાળો ઘટી શકે છે. પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ રાંધણગેસ ઉત્પાદન પૂરતો સીમિત થઇ જવાથી અલ્કાઇલેટ્સ ઉત્પાદનમાં ઘટાડો થશે, જેનો ઉપયોગ પેટ્રોલનું ગ્રેડિંગ સુધારવામાં કરાય છે. સરકારે તમામ રિફાઇનરીઓને સ્પષ્ટ આદેશ આપી દીધો હતો કે, હાલ તુરત વિવિધ પેટ્રો પેદાશોનાં ઉત્પાદન માટે આ ગેસોનો ઉપયોગ જરા પણ ન કરે. ઉદ્યોગ જગતના જાણકારોએ જણાવ્યું હતું કે, પ્રોપેન અને બ્યુટેનનો પેટ્રોકેમિકલ્સનાં સ્થાને માત્ર રસોઇગેસ બનાવવામાં ઉપયોગ થવાથી કંપનીઓના નફા પર અસર પડશે. 

Panchang

dd