નખત્રાણા, તા. 6 : તાલુકા પંચાયતની સામાન્ય સભામાં
વર્ષ 2025/26માં આવક-જાવકના હિસાબો તથા
વર્ષ 2026/ 27નાં સુધારેલ અંદાજપત્રમાં 21,03,07,923 પુરાંત દર્શાવતાં અંદાજપત્રને
સર્વાનુમતે બહાલી અપાઇ હતી. વિસ્તરણ અધિકારી વર્ષાબેન જાની દ્વારા આવકાર અપાયા બાદ
તાજેતરમાં પૂર્વ તા.પં. પ્રમુખ રવજીભાઇ બાથાણીનાં થયેલા નિધન બદલ તેમની સેવાઓને બિરદાવી
બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ, ત્યારબાદ ગત મિનિટનું વાંચન, ઠરાવો, આવક- જાવકના હિસાબોને બહાલી આપતા ઠરાવો સર્વાનુમતે પાસ કરાયા હતા. તા.પં. કચેરીના
લોકલફંડ ઓડિટ દ્વારા વર્ષ 2018/19 તથા 2019-20ના
જવાબો, ત્રણ વર્ષ ઉપરની ડિપોઝિટની રકમ, સ્વભંડોળ સદરે જમા કરવા અંગે, નાણાપંચ અંતર્ગત વિકાસકામોમાં
થયેલ ફેરફાર, સ્ટેમ્પ ડયૂટીની ગ્રાન્ટ, વર્ષ 2025-26નાં વર્ષનાં કામોનાં આયોજન
અંગે તા. પંચાયત વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર સાથે તા.પં.ના કારોબારી ઉત્પલસિંહ જાડેજા, પૂર્વ તા. પ્રમુખ જયસુખભાઇ પટેલ, વિપક્ષ નેતા કેતનભાઇ પાંચાણી, લખમીરભાઇ રબારીએ કરેલી
પ્રશ્નોતરીમાં તા.પં. વિકાસ અધિકારીએ આગામી વર્ષમાં નાણાંપંચ સ્ટેમ્પ ડયૂટી,
વિવિધ સરકારી ગ્રાન્ટોમાંથી કરવાનાં વિકાસકામો, ક્ષેત્રીય તા.પં. દ્વારા દરખાસ્ત કરવાની સૂચના અપાઈ હતી. તા.પં.ના વિવિધ વિસ્તારના
સદસ્યોને વિકાસકામો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટો પૈકી કામો પૂરાં થયા ન હોઇ કે રદ
થયલાં કામોની વિગતોની નોંધ તા.પં. અધિકારી દ્વારા આગામી નાણાંકીય વર્ષમાં લેવા જણાવાયું
હતું. ટૂંક સમયમાં યોજાનારી જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીઓને ધ્યાને લઇ વર્તમાન તા.પં.
કારોબારીની અંતિમ સામાન્ય સભાને અનુલક્ષી અધ્યક્ષ સ્થાનેથી તા.પં. પ્રમુખ ભાવનાબેન
પટેલે અધિકારીઓ દ્વારા મળેલા સાથ-સહકારથી તાલુકાનાં વિકાસકામો તથા તા.પં.ની કાર્યવાહી
સફળ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.સા. ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી,
સદસ્યો હોતખાન મુતવા, સંગીતાબેન રૂડાણી,
દિનેશભાઇ નાથાણી, ગોરધનભાઇ રૂડાણી, ઓસમાણ સુમરા, મંજુલાબેન લતા, લખમણભાઇ
રબારી, હરિભાઇ ચારણ, મહેન્દ્રસિંહ સોઢા
સહિત તા.પં. સદસ્યોએ તાલુકામાં સંપન્ન થયેલાં વિકાસકામો અંગે પ્રતિભાવ આપ્યા હતા. સભામાં
ઇ.ચા. જગદીશભાઇ આહીરે આવક- જાવકના હિસાબી આંકડા રજૂ કર્યા હતા. સંચાલન, આભારવિધિ વર્ષાબેન જાનીએ કર્યા હતા.