• શનિવાર, 07 માર્ચ, 2026

ગુજરાત બાર કાઉન્સિલ માટે કચ્છમાં 71.89 ટકા મતદાન

ભુજ, તા. 6 : વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે કચ્છમાં 71.89 ટકા જેટલું મતદાન નોંધાયાના સત્તાવાર આંકડા જાહેર કરાયા હતા. સવારથી જિલ્લામાં નવ સ્થળે હાથ ઇરાયેલી મતદાન પ્રક્રિયા અંતર્ગત વકીલમિત્રોએ ઉત્સાહપૂર્વક ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. કચ્છમાં કુલ નોંધાયેલા 2,665માંથી 1,916 વકીલમિત્રોએ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. અબડાસામાં સૌથી વધુ 85 તો અંજારમાં સૌથી ઓછું 67.40 ટકા મતદાન નોંધાયું હતું. ભુજ સહિતના કોર્ટ પરિસરમાં ચૂંટણી પ્રક્રિયાને લઇ વકીલમિત્રોની મતદાન માટે લાંબી કતાર લાગેલી જોવા મળી હતી. કચ્છ જિલ્લાના મુખ્ય પોલિંગ ઓફિસર તરીકે એડવોકેટ જિતેન્દ્રભાઇ મૂલચંદ ઝવેરીની નિમણૂક કરવામાં આવી હતી. ભુજ મધ્યે તેમની સાથે સહાયક પોલિંગ ઓફિસર તરીકે એડવોકેટ મલ્હાર ડી. બૂચ, હર્ષદ જે. જરાદી હિતેશભાઇ વેગડ અને અલ્પેશ સલાટને નિયુક્ત કરાયા હતા. સહાયક તરીકે એડવોકેટ શિવપાલસિંહ વાઘેલા અને પ્રિયંકાબેન વ્યાસ ઉપરાંત જિતેન્દ્રભાઇ ભાટી અને સુલતાનઅલી ભાંભવાણીનો પણ વ્યવસ્થામાં સહાકાર મળેલો હતો. દરેક તાલુકામાં પણ પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં અબડાસા બાર એસોસિયેશનમાં મુખ્ય પોલિંગ અધિકારી સચિન જોશી અને જગદીશ ગુંસાઇ, અંજાર બાર એસોસિયેશનમાં જયદીપ વરુ સાથે અલ્પેશ આર. બારોટ, ભચાઉ બાર એસોસિયેશનમાં નિરૂભા જાડેજા સાથે ચંદ્રકાંત વોરા, ગાંધીધામ બાર એસોસિયેશનમાં દિનેશ મહેશ્વરી અને સહાયક મહાદેવભાઇ ડાંગર, માંડવી બાર એસોસિયેશનમાં અલ્તાફ નારેજા અને સહાયક નારણ ગઢવી, મુંદરા બાર એસોસિયેશનમાં રેનિસભાઇ રાવ અને સહાયક ભૌમિક ભટ્ટ, નખત્રાણા બાર એસોસિયેશનમાં ફાલ્ગુનીબેન ભીમાણી અને સહાયક રેણુબેન ખેતાણી તથા રાપર બાર એસોસિયેશનમાં રમેશભાઇ ચાવડા અને સહાયક ભરતભાઇ ઠાકોર દ્વારા આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાર પડાઈ હતી. કચ્છના પુનિત દુધરેજિયા અને મગનભાઇ રાજિયાભાઈ ગઢવીએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, જ્યારે મૂળ ભચાઉના અનિલ કેલાએ પણ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું હતું. મતગણતરી સોમવાર તા. 9ના સવારથી અમદાવાદમાં હાથ ધરાશે. 

Panchang

dd