• શનિવાર, 07 માર્ચ, 2026

માંડવીમાં પરિવાર નમાજ પઢવા ગયો ને ખાતર પડાયું

ભુજ, તા. 6 : માંડવીમાં એક રહેણાક મકાનમાં ગેરકાયદે પ્રવેશેલા ચોર ઈસમે સોના-ચાંદીના દાગીના મળી અંદાજિત રૂા. 6,30,000ની ચોર કરી હોવાની ફરિયાદ માંડવી પોલીસ મથકના ચોપડે શુક્રવારે નોંધાવાઈ હતી. ગત તા. 5-3ના સાંજના સાત વાગ્યાથી રાત્રિના સાડા નવ વાગ્યા વચ્ચે થયેલી ચોરીના આ બનાવમાં ફરિયાદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હુશેન શૈફુદ્દીન લોખંડવાલાના વોહરા હજીરા પાછળ લોખંડવાલા બાગ સ્થિત શિરીન વિલામાં નજર ચૂકવી ઘૂસેલા ચોર ઈસમે તેમના માતાના રૂમમાં રહેલા કબાટમાંથી સોના-ચાંદીના દાગીના સેરવ્યા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, ફરિયાદી હુશેન ઓફિસેથી પરત ઘરે આવ્યા બાદ સાંજના સમયે પરિવારના સભ્યો નમાજ પઢવા ગયા હતા અને પાછળથી ત્રાટકેલા ચોર ઈસમે ખાતર પાડયું હતું. પરત આવીને ફરિયાદીના માતાએ કબાટ ખોલતાં તેમાં કાળી પિન ભરાવેલી હતી, કબાટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. કબાટ ખૂલતાં તેનો મેઈન લોક અંદરથી તૂટેલો હતો અને કબાટમાં જે ખાના ઉપર રહેલી બે જોડી સોનાની બંગડી-નંગ 4 તેમજ બે સોનાની વીંટી ગુમ જણાયા હતા. તેમજ અન્ય ખાનામાં રહેલા સોનાની ચેઈન, સોનાની નાની-મોટી 32 વીંટી, 4 જોડી સોનાની બુટ્ટી, સોનાનો ઢાળ ચડાવેલો અકીનો પથ્થર તથા સોનાની એક ચેઈન તેમજ પેન્ડલ, 4 ચાંદીની વીંટી, 1 ચાંદીનો ઘૂઘરો, 2 ચાંદીના સિક્કા મળી કુલ રૂા. 6,30,000નો મુદ્દામાલ ચોરી કરી કોઈ ચોર ઈસમ નાસી ગયો હતો. ચોરી કરનારો કોઈ જાણભેદુ હોવાની શક્યતા પણ એક તબક્કે વ્યક્ત કરાઈ હતી. જો કે, આ બાબતે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd