• શનિવાર, 07 માર્ચ, 2026

સેન્સેક્સમાં 1097 અંકનો કડાકો

મુંબઇ, તા. 6 (પીટીઆઇ) : મધ્ય-પૂર્વમાં ચાલુ રહેલો સંઘર્ષ સાતમા દિવસમાં પ્રવેશવાની સાથે વધુ તીવ્ર બનતાં ક્રૂડતેલમાં સંકટના અણસારે ભાવમાં ભડકો થવાથી શેરબજારોમાં તેજીની રાહત એક જ દિવસમાં તૂટી હતી અને શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ તૂટી પડયા હતા. આ ઘટાડાની અસરે રોકાણકારોની મૂડીમાં 3.22 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. 30 શેર આધારિત સેન્સેક્સ  1097 અંક અથવા 1.37 ટકા ઘટીને 78,918.90 બંધ આવ્યો હતો. કારોબાર દરમ્યાન તે 1203.72 અંક ગગડીને 78,812.18ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. 50 શેરનો એનએસઇ નિફ્ટી 315.45 અંક અથવા 1.27 ટકા ઘટીને 24,450.45 બંધ આવ્યો હતો. વિશ્લેષકો અનુસાર અમેરિકન શેરબજારોમાં નબળાઇ, યુરોપિયન બજારમાં મંદીનું વલણ અને વિદેશી ભંડોળના સતત બહાર જઇ રહેલા પ્રભાવે રોકાણકારોએ વેચવાલીનું વલણ અપનાવ્યું હતું. સપ્તાહના છેલ્લા દિવસે બેન્કિંગ સ્ટોક્સમાં ધબડકો થતાં સેન્ટિમેન્ટ ડહોળાઈ ગયું હતું. નબળા વૈશ્વિક સંકેતો અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવે બેન્ચમાર્ક સૂચકાંકોમાં સતત બીજા સપ્તાહે ઘટાડો થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં એક વર્ષનો આ સૌથી મોટો સાપ્તાહિક  ઘટાડો છે.અઠવાડિયાના અંતે લગભગ તમામ સેક્ટોરલ સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા તેમાં નાણાકીય ક્ષેત્રે તો ગાબડાં જોયાં હતાં. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 14 મહિનાનો સૌથી મોટો સાડા ચાર ટકાનો સાપ્તાહિક ઘટાડો નોંધાવી 57,783 સુધી ઊતરી ગયો હતો. બીએસઈના 4374 ટ્રેડેડ શેરોમાંથી 1,895ના ભાવમાં સુધારો, 2,303માં ઘટાડો અને 176માં યથાવત્ સ્થિતિ હતી. એનએસઈમાં કુલ 3295માંથી 1317 એડવાન્સિંગ, 1874 ડિક્લાઇનિંગ અને 104 શેરો અનચેંજ્ડ હતા. બીએસઈમાં 69 જાતો બાવન સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચી હતી, તો સામે 258 જાતો લો પર આવી ગઈ હતી. એનએસઈમાં આ પ્રમાણ અનુક્રમે 30 અને 196નું હતું. સર્કિટોનું સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો એનએસઇમાં 81 શેરો ઉપલી સર્કિટે અને 68 શેરો નીચલી સર્કિટે હતા. બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. 449.68 લાખ કરોડ થઇ ગયું હતું. એનએસઇ લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. 448.07 લાખ કરોડ થયું હતું. 

Panchang

dd