• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

હવે ફાંસીની સજાની માંગ ?

કોલકાતાની સિયાલદાહની કોર્ટે મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના બહુવિવાદિત કેસમાં દોષિત સંજય રોયને તેનું મૃત્યુ થાય ત્યાં સુધી જેલના કારાવાસની સજા ફટકારી છે. કોર્ટે રોયને ફાંસીની સજા આપવાનો ઈનકાર કરીને જણાવ્યું હતું કે, કેસ `અતિદુર્લભ' કેટેગરીમાં નહીં આવતો હોવાથી દોષિતને ફાંસીની સજા નથી સંભળાવાઈ. સીબીઆઈએ દલીલ કરી હતી કે, ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ જાળવવા રોયને ફાંસી આપવી જોઈએ. તેના જવાબમાં રોયના વકીલે જણાવ્યું હતું કે, ફરિયાદી પક્ષે અપરાધીમાં સુધારાની કોઈ શક્યતા નહીં હોવાનું પૂરવાર કરવું જોઈએ. સંજય રોયને જ્યારે આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો ત્યારે તેણે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેની સાથોસાથ આ કેસમાં એક મોટા માથાનો હાથ હોવાનું પણ જણાવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસના નેતા લગભગ એક સ્વરમાં કહી રહ્યા છે કે, જો સાક્ષીઓ અને પુરાવાઓને મિટાવવામાં નહીં આવ્યા હોત, તો બીજા અનેક લોકો આરોપીના કઠેડામાં હોત. રોયને આજીવન કારાવાસની સજા પછી મુખ્ય પ્રધાન મમતા બેનરજી કહે છે કે, તેમની ઇચ્છા હતી કે દોષીને ફાંસી મળે, `અમે ફાંસીની માંગ કરી હતી. જો અમારી પાસે આ કેસ હોત તો અમે ફાંસીનો આદેશ બહાર પડાવ્યો હોત. આ એ જ મમતા બેનરજી છે જેમની પોલીસે આ કેસની તપાસને બદલે પુરાવા નાશ કરવાના અને સાક્ષીઓને દૂર કરવાના ભરપૂર પ્રયાસો કર્યાનું તે વેળા ચર્ચાતું હતું અને આક્ષેપ હતા. કોલકાતા પોલીસ આખી તપાસને ઊંધે પાટે ચડાવી રહ્યાના અને કોલકાતાની એક ભારે વગદાર વ્યક્તિનું નામ તેમાં ઊછાળવામાં આવતાં આખો કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. આમ છતાં સીબીઆઈ કોલકાતા પોલીસ દ્વારા `ચૂંથી' નાખવામાં આવેલા આ કેસની કુનેહથી તપાસ કરી અપરાધી સુધી પહોંચી હતી. હવે કોર્ટ દ્વારા આ કેસનો ચુકાદો આવી ગયો છે, ત્યારે દોષી સંજય રોયે આ કેસમાં જે મોટા માથાનો ઉલ્લેખ કર્યો છે, તેની તપાસ મમતા બેનરજી તેમની પોલીસ પાસે કરાવી શકે છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળ જ નહીં પણ આખો દેશ જાણવા ઇચ્છશે કે આ મોટું માથું કોણ છે? જો મમતા બેનરજી આમાં સફળ થશે તો તેમની `ન્યાયની દેવી' તરીકે છાપ ઉપસવી નક્કી છે. આ ઉપરાંત મમતા બેનરજી અને બીજાઓ તો સંજય રોય દોષી ઠરે તો તેમને ફાંસીની સજા નહીં આપવી જોઈએ, તેની હિમાયત પણ કરી ચૂક્યા છે. જો મમતા બેનરજીની સરકાર હોય, તો તેમણે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં સંજય રોયને આજીવન કારાવાસ મળે તે માટે પ્રયાસો કરવા જોઈએ. નહીં તો એક દોષીને બચાવવામાં તેઓને રસ છે અને ફાંસી થવી જોઈએ એમ કહેવું બે મોઢાની વાત છે એ પૂરવાર થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd