ચેન્નાઇ, તા. 17 : ભારતના ચેમ્પિયન ક્રિકેટર યુવરાજ
સિંઘના નામ પરથી કેનેડાના 19 વર્ષીય બેટર
યુવરાજ સામરાનું નામકરણ થયું હતું. આ યુવરાજ સામરા હવે ભારતના સફળ ક્રિકેટર યુવરાજનું
નામ રોશન કરી રહ્યો છે. યુવરાજ સામરા આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં સૌથી નાની ઉંમરે સદી કરનારો બેટર બન્યો છે. તેણે
આજે ન્યૂઝીલેન્ડ સામેના મેચમાં 6પ દડામાં
11 ચોગ્ગા અને 6 છગ્ગાથી 110 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી
હતી. કેનેડાના યુવરાજે તેની સદી પ6 દડામાં પૂરી કરી હતી. જો કે તેની આ સદી કેનેડાને જીત અપાવી શકી
ન હતી. યુવરાજ સામરાએ 19 વર્ષ અને
141 દિવસની ઉંમરે આ પરાક્રમ કરી
નવો વિક્રમ બનાવ્યો છે. આ મામલે તેણે પાકિસ્તાનના અહમદ શહઝાદને પાછળ રાખી દીધો છે.
આ ઉપરાંત ટી-20 વર્લ્ડકપમાં સદી કરનારો યુવરાજ
એસોસિએટ દેશનો પહેલો બેટધર બન્યો છે. દિલચશ્પ વાત એ છે કે યુવરાજ સામરા તેના આદર્શ
યુવરાજ સિંઘને બે વખત મળી ચૂક્યો છે. તે કહે છે કે મારા પિતા હંમેશાં ઇચ્છતા હતા કે
હું યુવરાજસિંઘની જેમ બેટિંગ કરું. જો કે હું તેમની કોપી કરવા માગતો નથી.