• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમા નવ મહિનામાં સફાઈ માટે રાખેલા વાહનોનું 148 લાખ ભાડું ચૂકવાયું

ગાંધીધામ, તા. 17 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો અને સંકુલમાં સફાઈ પાછળ કરોડો રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો છે અને હાલના સમયે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે અને તેમ છતાં સફાઈની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. નાગરિકોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થઈને જાહેરમાં ગંદકી ન ફેલાવવી જોઈએ તે નાગરિકોની ફરજ છે પરંતુ વહીવટી તંત્ર તો કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે તેમ છતાં એજન્સી પાસેથી સફાઈની કામગીરી લઈ શકતું નથી જેના પગલે સવાલો ઉઠી રહ્યા છે. એજન્સીને દર મહિને 140 લાખથી વધુ રૂપિયાનું ચુકવણું થાય છે તેમ છતાં ભાડાના વાહનો રાખીને અઢળક રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. મહાનગરપાલિકાએ એક એપ્રિલ 2025 થી લઈને 31 ડિસેમ્બર 2025 દરમિયાન 9 મહિનામાં સફાઈની કામગીરી માટે વાહનો ભાડે રાખીને 1.48 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવ્યું છે. એજન્સીને દર મહિને 140 લાખથી વધુનું ચુકવણું કરાય છે તદ ઉપરાંત પાલિકા વાહનો ભાડે રાખીને લાખો રૂપિયાનું ચુકવણું કરી રહી છે છતાં હેતુ સાર્થક નથી થતો કમિશનર મનીષ ગુરુવાણી સ્વચ્છતા બાબતે સજાગ છે અલગ અલગ વિસ્તારોમાં જઈને નિરીક્ષણ પણ કરે છે પરંતુ ગાંધીધામ આદિપુરમાં આંગળીના વેઢે ગણી શકાય કેટલા મુખ્ય માર્ગો સિવાય સફાઈમાં શૂન્યવકાશ જેવી સ્થિતિ છે. ખરેખર વહીવટી તંત્ર સફાઈ ની એજન્સી પાસેથી કામગીરી લેવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે તેવા ગંભીર આક્ષેપો શહેરના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધી નવ મહિનામાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ પાછળ 6 કરોડ 6 લાખ થી વધુનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે.જેમાં જમા યાંત્રિક સાધનો દ્વારા સફાઈ એટલે કે વાહનો ભાડે રાખ્યા હતા તેનું રૂ.12903900 ભાડું ચૂકવાયું છે.સફાઈ માટે વાહનો ભાડે રાખીને રૂ.1989440 નું ભાડું ચૂકવાયું છે.વેસ્ટ કલેક્શન,સફાઈ અને ડિસ્પોઝલ કામ પાછળ રૂ.4,54,19,557 નો ખર્ચ કરવામાં આવ્યો છે. સીટી બ્યુટીફિકેશન અને સફાઈની કામગીરી પાછળ 29 લાખ રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો છે.અઢળક રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં જમીન ઉપર સ્થિતિ સુધરતી નથી. કમિશનર ખુદ નિરીક્ષણ કરી રહ્યા છે અધિકારીઓને સૂચનાઓ આપી રહ્યા છે પરંતુ અધિકારીઓ એજન્સી પાસેથી કામ લઈ શકતા નથી અને તેના પરિણામે હેતુ સાર્થક થતો ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. - મૃત પશુઓને ઉપાડવાની કામગીરી પાછળ 34.85 લાખનો ખર્ચ : મહાનગરપાલિકા વિસ્તારમાંથી મૃત પશુઓને ઉપાડવાની કામગીરી પાછળ 9 મહિનામાં 34,85,980 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મૃત પશુઓને ઉપાડીને વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો નિકાલ કરવો જરૂરી છે હવે આ તમામ પ્રક્રિયા થતી હોય કે નહીં તેની ઉપર સવાલો ઉઠી રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં એટલે કે 9 મહિનામાં લગભગ 35 લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચાઈ ચૂકી છે. - સ્વચ્છતામાં નંબર સુધરે તે જરૂરી : સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરવા ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ તે જરૂરી છે 188 ચોરસ કિ.મી વિસ્તાર છે તેની સામે માનવ બળ ઓછું છે લોકોએ સ્વચ્છતા બાબતે જાગૃત થવું જરૂરી છે પરંતુ વહીવટી તંત્ર જે ખર્ચ કરે છે તે પણ સાર્થક થવો આવશ્યક છ. તત્કાલીન સમયની નગરપાલિકા થી લઈને હાલની મહાનગરપાલિકા દરમિયાનની સફરમાં સ્વચ્છતામાં હંમેશા નંબરના મામલામાં પછડાટ મળે છે. ત્યારે ખરેખર જમીન ઉપર સફાઈની કામગીરી વ્યવસ્થિત થાય અને સ્વચ્છતા ના ક્રમમાં સુધારો આવે તે દિશામાં પ્રયાસ કરવા જરૂરી છે - સફાઈ કોન્ટ્રાક્ટની સમીક્ષા આવશ્યક : તત્કાલીન સમયે જે પ્રક્રિયા થઈ છે તેમાં સાધન સામગ્રી અને માનવ બળ સહિતની જોગવાઇઓ તેમજ અન્ય પાસાઓ ઉપર વ્યવસ્થિત ધ્યાન કેન્દ્રિત કર્યા વગર ટેન્ડર પ્રક્રિયા થઈ હોવાના જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે હાલના સમયે કામગીરી બરોબર થતી નથી મહિને 1.40 કરોડ થી વધુ રૂપિયાનું ચુકવણું કરવામાં આવે છે.તેવા સંજોગોમાં આ સફાઈ કોન્ટ્રાક્ટની સમીક્ષા કરીને ખૂટતી કડીઓને પૂર્ણ કરવી જરૂરી છે. 

Panchang

dd