ભુજ, તા. 17 : વર્ષ 2008માં અબડાસા તાલુકાના મોટા કરોડિયાની
જમીનનો ખોટો દસ્તાવેજ રજિસ્ટર થયા અંગે અદાલતમાં ધા નખાતાં કોર્ટના હુકમથી ખરીદનાર
તથા બે સાક્ષી અને તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ છેતરપિંડી સહિતની વિવિધ કલમો તળે
ગુનો દાખલ થયો છે. આ અંગે નલિયા કોર્ટના હુકમથી પચાણ મેઘજી માતંગે આજે કોઠારા પોલીસ
મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેની મોટા કરોડિયા ગામની રેવેન્યૂ સર્વે નં. 319વાળી જમીન આરોપી ખરીદનાર એવા
પરેશ રતન ગઢવી (મોટા કરોડિયા) અને આરોપી એવા સાક્ષીઓ સંજય સામત ગઢવી (મોટા કરોડિયા), જાકબ મામદ લુહાર (હાલાપર, તા. માંડવી)એ જમીન વેચનાર તરીકે અન્ય કોઈ ઈસમ જે આરોપીઓના મળતિયા માણસો આવ્યા
હશે, તેના ફોટો કોપી ગેરકાયદે દસ્તાવેજ બનાવી ફરિયાદીની જગ્યાએ
અન્ય કોઈ ભળતી વ્યક્તિ ઊભી રાખી અંગૂઠાના નિશાન કરાવી બનાવટી દસ્તાવેજ તા. 2/2/2008 રજિસ્ટર કરાવ્યો હતો. આમ ઉપરોક્ત
આરોપીઓ તથા તપાસમાં જે નીકળે તે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા બે વર્ષ પૂર્વે ફરિયાદીએ
કોર્ટમાં ધા નાખતાં કોર્ટના હુકમથી આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત-છેતરપિંડી સહિતની કલમો
તળે કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.