• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

પૂર્વ કચ્છના માર્ગો બન્યા રક્તરંજિત : ચારનાં મોત

ગાંધીધામ, તા. 17 : જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિએ દર્શન કરવા જતાં સાંતલપુર પાટણના અશ્વિનદાસ પ્રેમદાસ સાધુને અજાણ્યા વાહનચાલકે હડફેટમાં લેતાં આ આધેડે જીવ ખોયો હતો. બીજી બાજુ અંજારના ચાંદ્રોડા નજીક ટ્રકે અકસ્માત સર્જતાં કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે પૈકી જગદીશસિંહ નામના યુવાનનું મોત થયું હતું તેમજ રાપરમાં પગપાળા જતાં સામજી મેરૂભાઇ જાદવ (ઉ.વ. 67)ને અજાણ્યા છકડા જેવાં વાહને ટક્કર મારતાં તેમનું મોત થયું હતું અને રાપરના ગેડીમાં બાઇક સ્લીપ થતાં પ્રવીણ પ્રભુ કોળી (ઉ.વ. 70)એ જીવ ખોયો હતો. સાંતલપુરના ગરામડી ગામમાં રહેનાર અશ્વિનદાસ નામના આધેડ બાઇક નંબર જીજે-24-એઆર-1312 લઇને પીપરાળા ડગાચા દાદાના મંદિરથી મહાશિવરાત્રિ નિમિત્તે જૂનાગઢ ખાતે દર્શન કરવા જઇ રહ્યા હતા.આ આધેડ સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ ઉપર અજંતા કંપની કોલોનીના ગેટ સામે પહોંચ્યા હતા, ત્યારે તા. 13/2ના સાંજના અરસામાં કોઇ અજાણ્યાં વાહને બાઇકને હડફેટમાં લેતાં ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અજાણ્યા વાહનચાલક સામે તુલસીદાસ પ્રેમદાસ સાધુએ ફરિયાદ નોંધાવી હતી. વધુ એક અકસ્માત અંજારના ચાંદ્રોડા નજીક આદિત્ય પેટ્રોલપંપ પાસે બન્યો હતો. સાણંદના વાસણામાં રહેનાર ફરિયાદી બળદેવસિંહ ગંભીરસિંહ વાઘેલા અને જયવીરસિંહ, જગદીશસિંહ, બાબુભા, ભાવનાબા, વર્ષાબા કાર નંબર જીજે-02-ઇજી-5842માં સવાર થઇ માંડવીના તલવાણા ખાતે મરણ પ્રસંગે આવ્યા હતા, ત્યાં પ્રસંગ પતાવીને આ લોકો પરત જઇ રહ્યા હતા તેવામાં ચાંદ્રોડા નજીક આગળ જતાં ટ્રક નંબર જીજે-39-ટી-3528ના ચાલકે અચાનક ગાડી દબાવતાં કાર તેમાં અથડાતાં પલટી ગઇ હતી, જેમાં જગદીશસિંહ, બાબુભા, ભાવનાબા અને વર્ષાબાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે પૈકી જગદીશસિંહનું મોત થયું હતું, જ્યારે અન્યોને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. રાપરથી નંદાસર તરફ જતાં રોડ પર વતન મસાવા સામે ગત તા. 10/2ના જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ગેલીવાડીમાં રહેતા સામજી જાદવ નામના વૃદ્ધ પગપાળા જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યા છકડા જેવાં વાહને તેમને હડફેટમાં લેતાં ગંભીર ઇજાઓના પગલે તેમણે જીવ ખોયો હતો. અજાણ્યા વાહનચાલક સામે વાલજી જાદવે ગુનો નોંધાવ્યો હતો. વધુ એક અકસ્માત ગેડીમાં દેસલપર રોડ પર ગેડી પંચાયત કચેરી નજીક બન્યો હતો. તા. 13/2ના પ્રવીણ કોળી (વડેચા) બાઇક નંબર જીજે-39-ઇ-1277 લઇને જઇ રહ્યો હતો. દરમ્યાન બાઇક સ્લીપ થતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. 

Panchang

dd