ભુજ, તા. 17 : નખત્રાણા તાલુકાના બાંડિયારા
ગામનો રસ્તો છેલ્લા લાંબા સમયથી બિસમાર હાલતમાં છે. ગાડાવાટ જેવા આ માર્ગથી પસાર થતાં
ઓવરલોડ ટ્રેલરોને કારણે માર્ગની હાલત વધુ દયનીય બની છે, જેથી અહીંથી પસાર થતાં ઓવરલોડ લઇને ગ્રામજનો
રોષે ભરાયા હતા અને ટ્રેલરોને અટકાવી દીધાં હતાં. આ અંગે વિગતો આપતાં સ્થાનિકોએ જણાવ્યું
હતું કે, નેત્રા બાંડિયારાનો રોડ લગભગ 2008 પછી બન્યો જ નથી. હાલ આ રસ્તાની
હાલત અત્યંત ખરાબ થઇ ગઇ છે. ગ્રામજનોને દરેક જરૂરિયાત માટે નેત્રા જવું પડે છે. ખરાબ
રસ્તાને કારણે ખાનગી વાહનો કે એમ્બ્યુલન્સ પણ આવવા તૈયાર નથી, ગત ચોમાસે લાખ રૂપિયા ખર્ચીને ગ્રામજનો એ આ
માર્ગ સ્વખર્ચે રિપેર કરાવ્યો હતો. સંબંધિત તંત્રને અસંખ્ય વખત રજૂઆત કરી હતી. આ માર્ગ પરથી ઓવરલોડ ટ્રેલરો પસાર થતાં રસ્તાની
હાલત બગડે છે, તે સાથે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. માતેલા
સાંઢની જેમ પસાર થતાં આ ભારે વાહનોના કારણે ઊડતી ધૂળથી ખેતીમાં ઊભા પાકને પણ નુકસાન
થઇ રહ્યો છે. લક્ષ્મીપરમાં ત્રણ અને બાંડિયારામાં બે લીઝ આવેલી છે, જેના ભારે વાહનો અહીંથી પસાર થઇ રહ્યાં છે. માથાના દુ:ખાવા સમાન આ ભારે વાહનોને
આજે ગામલોકોએ અટકાવીને રસ્તા પર બાવળની ઝાડીઓ પાથરીને માટીની પાળ બાંધી દીધી હતી. દાઉદ
હાજીમામદ, સંગાર હાજી ઉમર, ઇસ્માઇલ સાલે,
આમદ ઇસ્માઇલ લુહાર, કાસમ હાસમ સંગાર, ઓસમાણ હાસમ સંગાર, ઇધિક મામદ સંગાર, દાઉદ મુસા સંગાર, ઓસમાણ જુસબ સંગાર, અબ્દુલ હાજીસિધિક સંગાર, ઇશાક ઉંમર સંગાર, દાઉદ મામદ સંગાર, સલેમાન ઇબ્રાહિમ ઉઠાર, ઇસ્માઇલ સલેમાન સંગાર સહિતના ગ્રામજનોએ ચીમકી આપતાં કહ્યું હતું કે,
જો આ બંધ નહીં થાય અને વહેલી તકે આ રોડનું નવીનીકરણ નહીં થાય તો ગાંધી
ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે.