મુંબઈ, તા. 17 : ભારતના ચોથા સત્તાવાર પ્રવાસે
આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોંનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત
કર્યું હતું. `ભારત-ફ્રાન્સ શિખર બેઠક' બાદ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ મહત્ત્વનું એલાન કરીને કહ્યું હતું કે, બન્ને
દેશ સાથે મળીને ભારતમાં એવાં હેલિકોપ્ટરનું નિર્માણ કરાશે જે માઉન્ટ એવરેસ્ટ જેવી ઊંચાઈઓ
પર ઉડાન ભરી શકે. ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, શિક્ષણ,
આરોગ્ય, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં 20થી વધારે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરારો થયા
હતા. વહેલી સવારે મરીન ડ્રાઈવ પર જોગિંગ કરી રહેલા મેક્રોંની તસવીર - દૃશ્યો વાયરલ
થયા હતા. બીજા નેતાઓએ એક કારમાં સવારી કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિની આજની મુલાકાત
દરમ્યાન ભારતને 124 રાફેલ યુદ્ધ
વિમાન આપવાના અગાઉથી ઘોષિત થઈ ચૂકેલા સવા ત્રણ લાખ કરોડ રૂપિયાના મહત્ત્વાકાંક્ષી સોદા
પર હસ્તાક્ષર થવાના ઐતિહાસિક ઘટનાક્રમ પર સૌની મીટ હતી, પરંતુ આ સોદા પર હસ્તાક્ષર થયા નહોતા. શિખર બેઠક પહેલાં આજે સવારે મુંબઈની તાજ હોટેલ પર
પહોંચીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ 26-11 હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાન્સ ભારતની સાથે
છે. મોદીએ ફ્રાન્સને ભારતનું `િવશેષ ભાગીદાર' લેખાવતાં કહ્યું હતું કે, બન્ને દેશોએ સંબંધોને `સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' એટલે કે, `િવશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી'ના સ્તર સુધી ઊંચે લઈ જવાનો ફેંસલો કર્યો છે.
વડાપ્રધાન મોદીએ એચ-125 હેલિકોપ્ટર
વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ માઉન્ટ એવરેસ્ટની
ઊંચાઈ સુધી ઉડાન ભરનાર વિશ્વનું પહેલું હેલિકોપ્ટર
ભારતમાં બનાવશે તેનો ગર્વ છે. આ હેલિકોપ્ટર અમે સમગ્ર વિશ્વને નિકાસ કરીશું. ભારત અને
ફ્રાન્સ વચ્ચે કોઈ સીમા નથી. થોડાક દિવસ પહેલાં અમે યૂરોપીય સંઘ સાથે પણ વેપાર સંધિ
કરી. આ કરાર ભારત-ફ્રાન્સના સંબંધોમાં પણ અભૂતપૂર્વ ગતિ લાવશે તેવું મોદીએ જણાવ્યું
હતું. મોદીએ કહ્યું હતું કે, અમે આરોગ્યમાં એઆઇના ઉપયોગ માટે
ઇન્ડો ફ્રેન્ચ સેન્ટર તેમજ ડિજિટલ વિજ્ઞાન-ટેક્નોલોજી માટે પણ આવું સેન્ટર શરૂ કરીશું.
આજે દુનિયા અનિશ્ચિતતા, અસ્થિરતાના દોરમાંથી પસાર થઇ રહી છે,
ત્યારે ભારત અને ફ્રાન્સની ભાગીદારી, વૈશ્વિક સ્થિરતા
માટે એક તાકાત છે તેવું તેમણે ઉમેર્યું હતું. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રાંઁએ ઇંડિયા-ફ્રાન્સ
ઇનોવેશન ફોરમને સંબોધન કરતાં કહ્યું હતું કે, દુનિયાની અનેક મોટી
કંપનીઓના સીઇઓ ભારતીય છે. હવે ભારત નેતૃત્વ કરનારો દેશ બની ગયો છે. સંયુક્ત પત્રકાર
પરિષદ સંબોધતાં મોદી બોલ્યા હતા કે, આતંકવાદના દરેક સ્વરૂપનો
નાશ અમારી બેય દેશની સહિયારી પ્રતિબદ્ધતા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ મેક્રોંની આ ચોથી
ભારતયાત્રા છે. પહેલાં માર્ચ 2018માં આવ્યા હતા, પછી સપ્ટેમ્બર 2023માં જી-20 શિખર બેઠક માટે, પછી જાન્યુઆરી-2024માં ગણતંત્ર દિવસના સમારોહમાં
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. - આ છે મહત્ત્વના સમજૂતી કરાર : સંરક્ષણ : - રાફેલ, સબમરીન, હેલિકોપ્ટર નિર્માણમાં
સહયોગ. - ભારતમાં સંરક્ષણ ઉપકરણ અને
ટેક્નોલોજી ટ્રાન્સફર. - ભવિષ્યનાં
યુદ્ધવિમાન એન્જિન પર સાથે મળીને કામગીરી. - ટેક્નોલોજી-સંશોધન : એઆઇ, સાયબર
સુરક્ષામાં ભાગીદારી વધશે. - અવકાશ, ઉપગ્રહ
ટેક્નોલોજીમાં સહયોગ. - સ્ટાર્ટઅપ
અને શોધ સંસ્થાનો સાથે કામ કરશે. - શિક્ષણ અને કૌશલ્ય : યુવાનો માટે નવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમ. - વિદ્યાર્થી આદાન-પ્રદાન કાર્યક્રમ. તાંત્રિક
શિક્ષણ અને સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટ્સ. - આરોગ્ય : રસી સંશોધન
અને જાહેર આરોગ્ય ક્ષેત્રોમાં ભાગીદારી. - નવી દવાઓ અને તબીબી સંશોધન પર સાથે મળીને કામગીરી.