• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

ટ્રમ્પની બ્રિક્સ દેશોને ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિપદે વિજયી બનવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉગ્ર અમેરિકન રાષ્ટ્રવાદની વિચારધારાનું પ્રતિબિંબ પાડતાં નીતિલક્ષી નિવેદનો કરીને વિશ્વભરમાં ચકચાર જગાવી છે. હજી આવતા મહિને સત્તા સંભાળવાના છે, તેમ છતાં ટ્રમ્પે અત્યારથી વિવિધ વિષયો પર ઉગ્ર મત વ્યક્ત કરીને તેમનો શાસનકાળ દુનિયાના દેશો માટે ભારે મુશ્કેલ બની રહેશે, એવા સ્પષ્ટ સંકેત આપી દીધા છે. ટ્રમ્પે તેમને ત્યાં ડીપ સ્ટેટ વ્યવસ્થાના ખાત્મા માટે નિર્ધાર વ્યક્ત કર્યો છે, તો સોમવારે તેમણે હમાસ જો અમેરિકન બાનને નુકસાન પહોંચાડશે, તો મધ્યપૂર્વ એશિયાને ધમરોળી નાખવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે, અમેરિકાના ડોલરના આધિપત્યને નબળું પાડવાનો પ્રયાસ કરનાર કોઇપણ  દેશની ઉપર અમેરિકામાં 100 ટકા આયાતનીતિનો અમલ કરાશે, એવી ધમકી આપીને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ વેપારી સમુદાયમાં ફફડાટ જગાવ્યો છે. અમેરિકાના શક્તિશાળી ચલણ ડોલરનો વિકલ્પ શોધવાના બ્રિક્સ દેશોના પ્રયાસોના સંદર્ભમાં ટ્રમ્પે આ ધમકી આપી છે.  બ્રિક્સ સમૂહમાં ભારત, ચીન, બ્રાઝીલ અને યુએઇ સહિત નવ દેશ સભ્ય છે. આ સમૂહ લાંબા સમયથી વૈકલ્પિક ચલણના આધારે વેપારને વિકસાવવા મંથન કરી રહ્યો છે.  સ્પષ્ટ છે કે, નવ દેશ જો અન્ય કોઇ ચલણમાં વેપાર વ્યહાર કરે, તો અમેરિકા અને તેનાં ચલણ ડોલરને નુકસાન જઇ શકે તેમ છે.  સવાલ એ છે કે, સત્તા સંભાળ્યા પહેલાં જ ટ્રમ્પ આવા આક્રમક નિવેદનો શા માટે કરી રહ્યા છે. એમાં કોઇ શંકા નથી કે, અમેરિકા તેનાં અથતંત્રના અધિપત્યને જાળવી રાખવા માટે ચિંતા કરે તે સ્વાભાવિક છે, પણ વિશ્વનાં નામાંકિત અર્થતંત્રોની સામે ધમકીભર્યાં નિવદેન અને બખાડાથી અમેરિકાના આર્થિક હિતો જળવાશે, એમ કહી શકાય તેમ નથી.  વળી, આજે દુનિયામાં સંઘર્ષ કરતા સંવાદ વધુ અસરકારક બની શકે છે.  ટ્રમ્પે આ બાબત સમજીને પોતાનાં વલણને સંવાદ આધારિત રાખવાની ખાસ જરૂરત છે.    મહત્ત્વની બાબત એ છે કે, અમેરિકામાં આ દેશોમાંથી થતી આયાત પર 100 ટકા ડયૂટી લાદવાનાં કોઇપણ પગલાંની તેના પોતાનાં અર્થતંત્ર પર અવળી અસર પડી શકે તેમ છે. આમ ડયૂટી વધારાનું પગલું બેધારી તલવાર બની શકે તેમ છે, પણ ટ્રમ્પ અમેરિકાના આર્થિક પ્રભુત્વ માટે કોઇપણ હદે જઇ શકે છે, તે તેમની માનસિકતા પરથી જણાય છે.  જો તેઓ આવા કોઇ આકરાં પગલાં લેશે, તો દુનિયા વધુ એક વખત આર્થિક ઉદારીકરણને બદલે નિયંત્રણોના મુશ્કેલ દોરમાં સપડાઇ શકે તમે છે. ટ્રમ્પે આ મામલે સંઘર્ષને બદલે સંવાદનો માર્ગ લઇને અમેરિકાનાં પ્રભુત્વને જાળવી રાખવાની સાથોસાથ બ્રિક્સ સમૂહ જેવા દેશોની ચલણ અંગેની ચિંતાને દૂર કરવાનાં પગલાં લેવાની તૈયારી બતાવવાનું વલણ લેવું જોઇએ, પણ હાલના તેમના મિજાજ પરથી આ શક્યતા બહુ પાતળી જણાઇ રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd