• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

`ભારત જોડો' યાત્રામાં નક્સલવાદી ?

રાહુલ ગાંધીના ભારત જોડો અભિયાનમાં શહેરી નક્સલવાદી સંગઠનો સક્રિય છે. આ સંગઠનોને ભારતીય રાજ્ય બંધારણમાં વિશ્વાસ નથી એવો આક્ષેપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યો છે. બંધારણ અનુસાર ચાલનારા ચૂંટણીપંચ, સુપ્રીમ કોર્ટ અને બીજી સંસ્થાઓના વિરોધમાં બોલવું અને તેઓ વિરુદ્ધ અસંતોષ અને વિરોધ જગાવવો તે આ લોકોનો હેતુ અને વ્યૂહ છે. આ રાજદ્રોહ છે, આવાં કૃત્યો કરનારાં સંગઠનો શહેરી નક્સલવાદી છે એમ ભૂતકાળમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર.આર. પાટિલે પણ એક ઉત્તરમાં જણાવ્યું હોવાનો દાવો મુખ્ય પ્રધાન ફડણવીસે કર્યો છે. ભારતીય ચૂંટણીઓમાં ભારત વિરોધી લોકો વિદેશી હસ્તક્ષેપ કરતા હોવાનો દાવો કેન્દ્રના ગૃહ વિભાગના અહેવાલના આધારે ફડણવીસે કર્યો છે તેમજ `ભારત જોડો'માંના 140 પૈકી 48 ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનની નોંધ ગૃહ વિભાગ પાસે છે એમ પણ જણાવ્યું છે. ચૂંટણી જીતવા માટે આપણે કોનો ઉપયોગ કરી રહ્યા છીએ, કોણ આપણા ખભાનો ઉપયોગ કરે છે, તેની પહેલાં ચોક્સાઈ કરી લેવાની સલાહ પણ ફડણવીસે કોંગ્રેસને આપી છે. દેશમાં નક્સલવાદી વિરુદ્ધ લડાઈ ચાલુ છે. નક્સલવાદી ચળવળ સમાપ્ત થવા આવી છે. તેને લઈ આવા લોકો હવે શહેરો ભણી વળ્યા છે. આ સંગઠનોને `ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન' કહેવામાં આવે છે. આ સંગઠનો યુવકોમાં આતંકવાદી વિચારો ઠસાવવાનું કામ કરે છે. લોકોનો બંધારણીય સંસ્થાઓ પરનો વિશ્વાસ ડગી જાય તો તેઓ બળવો કરશે એવી તેમની વ્યૂહરચના હોય છે. આવી જ રીતે ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ લઈને અરાજક્તા કરવાનું ષડયંત્ર કરવાની તેઓની નેમ હોય છે એ અનુભવમાંથી જણાયું છે. રાહુલ ગાંધીની `ભારત જોડો' યાત્રા જ્યારે નીકળી ત્યારે તે વિવાદાસ્પદ ઠરી હતી. દેશના જે-જે વિસ્તારોમાં આ યાત્રા ગઈ, ત્યાં ત્યાં સામાજિક તંગદિલી થઈ હતી. એ હકીકત છે. આવી સિસ્ટમના માણસોને રાહુલ ગાંધીએ યાત્રામાં સહભાગી કરી લીધા હોવાનો આક્ષેપ છે. કેન્દ્રની સરકાર સામે બાથ ભીડવા `ભારત જોડો'નાં નામ હેઠળ કાર્યક્રમ પણ રાહુલ ગાંધીએ કર્યો; જ્યોર્જ સોરોસે તેને આર્થિક મદદ આપી, પણ દેશની જનતાએ એનડીએની તરફેણમાં જનાદેશ આપ્યો. કોરેગાવ-ભીમા પ્રકરણનો પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જ પર્દાફાશ કર્યો હતો અને તેને લઈને જ `શહેરી નક્સલવાદ' ફરી સપાટીએ આવ્યો હતો. હવે મુખ્ય પ્રધાન ફડણવીસે રાહુલને સીધા આરોપીના કઠેડામાં ઊભા કર્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 31 માર્ચ 2026 સુધી નકસલવાદનો પૂર્ણપણે ખાતમો થશે એમ આ પહેલાં જ જાહેર કર્યું છે. નક્સલવાદનાં નામ હેઠળ દેશમાં રક્તનું એક ટીપું પણ નહીં પડવા દઉં, એવી પ્રતિજ્ઞા પણ એમણે કરી છે, પણ કોંગ્રેસે દેશમાં સૌથી વધુ કાળ સત્તા ભોગવી, પ્રચંડ રક્તપાત પછી પણ નક્સલવાદને આમૂલ નાબૂદ કેમ નહીં કરી શકી તેનો જવાબ રાહુલ ગાંધી આપશે ? રાહુલ ગાંધી પણ દેશના જવાબદાર નેતા તરીકે ઊભર્યા છે. દેશના વિરોધ પક્ષના નેતા હોવું એ ખૂબ મહત્ત્વની વાત છે. તેમણે ગંભીરતા સાથે એ જવાબદારી વહન કરવી જોઇએ. વિરોધ પક્ષ એટલે કેન્દ્રની દરેકે દરેક બાબતનો વિરોધ કરવો જ એવી કોંગ્રેસની વર્તમાન નીતિ તેને જ નુકસાન કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd