નવી દિલ્હી, તા.
25 : રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવન સામે એક વ્યક્તિએ ખુદને જ આગ ચાંપી દેતાં અફરા-તફરી
મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર શાખાને જાણ કરાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા શખ્સને તાત્કાલિક
હોસ્પિટલ ખસેડાયો હતો. તેણે શા કારણે ખુદને આગ લગાડી તે જાણી શકાયું નથી. એક મીડિયા
હેવાલ મુજબ, બુધવારે બનેલી ઘટનાથી હડકંપ મચ્યો હતો. ડીસીપી દેવેશકુમાર મહલાએ કહ્યું
કે, પોલીસ કોન્સ્ટેબલોએ કેટલાક નાગરિકોની મદદથી તુરંત આગ બુઝાવી હતી. શરૂઆતની તપાસમાં
આ શખ્સનું નામ જિતેન્દ્ર છે, જે યુપીના બાગપતમાં તેની સામે નોંધાયેલી ફરિયાદથી પરેશાન
હતો. જો કે, તેની હાલત ગંભીર હોવાથી કયા કારણે તેણે આવું પગલું ભર્યું તે જાણી શકાયું
નથી તેમ ડીસીપીએ જણાવ્યું હતું. આ બનાવથી હડકંપ મચ્યા બાદ ફોરેન્સિકની ટીમ પણ ઘટનાસ્થળે
પહોંચી હતી અને મામલાની તપાસ આદરી હતી.