મેલબોર્ન, તા.2પ:
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માં આવતી કાલથી ચોથી નિર્ણાયક ટેસ્ટ
મેચ શરૂ થશે. ભારતીય ટીમ મેલબોર્નમાં રમાનાર બોકિસંગ ડે ટેસ્ટ જીતી લેશે તો તેની પાસે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ફરી જળવાઇ રહેશે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ
તરફ પણ આગળ વધશે. જ્યારે ઓસ્ટ્રેલિયાને ચોથી ટેસ્ટમાં જીત મળશે તો ટીમ ઇન્ડિયા વિરુદ્ધ
પાછલા એક દશકમાં ટેસ્ટ સિરીઝ કબજે કરવાની નજીક પહોંચી જશે અને ડબ્લયૂટીસી ફાઇનલ ભણી
આગેકૂચ થશે. બન્ને ટીમનું એકમાત્ર લક્ષ્ય જીત સાથે શ્રેણી સરસાઇનું હશે. મેલબોર્નના
મોસમનું પૂર્વાનુમાન સારું છે. અહીં વરસાદની આશંકા નથી. એવામાં મેચ ડ્રોની સંભાવના
ઓછી છે. ખાસ કરીને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)નો ઇતિહાસ જોતા બોક્સિંગ ડે ટેસ્ટના
પહેલા દિવસે 90 હજાર દર્શક ઉમટી પડશે તેવી સંભાવના છે. ભારતીય ટીમે પાછલા બે ઓસ્ટ્રેલિયન
પ્રવાસમાં મેલબોર્નમાં જીત હાંસલ કરી છે. આ કારણે ભારતનું પલડું ભારે કહી શકાય. ભારત
માટે ફરી એકવાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ હુકમનો એકકો બની રહેશે. બાકીના બોલરોએ પણ
સારો દેખાવ કરવો પડશે. આ વખતે ઓસ્ટ્રેલિયાએ તેની સામે 19 વર્ષય ઓપનર સેમ કોંટસ્ટાસને
ઉતારવાનો દાવ ખેલ્યો છે. ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશેન પાસે બુમરાહનો જવાબ નથી. આ
બન્ને કાંગારૂ બેટર બુમરાહનો શિકાર બની રહ્યા છે. જો કે ઓસ્ટ્રેલિયાને રાહત મળી છે
કે તેનો ઇનફોર્મ બેટર અને હંમેશાં ટીમ ઇન્ડિયા સામે રન કરી રહેલ ટ્રેવિસ હેડ ફિટ છે
અને મેલબોર્ન ટેસ્ટ રમવાનો છે. એમસીજીની ગતિ અને ઉછાળવાળી પિંચ પર ફરી એકવાર ટીમ ઇન્ડિયાના
ટોપ ઓર્ડરના બેટર્સની ઓસ્ટ્રેલિયાની પેસ બેટરી સામે અગ્નિપરીક્ષા થશે. આ વખતે હેઝલવૂડના
બદલે બોલેંડનો સામનો કરવાનો છે. ખાસ કરીને સ્ટાર બેટર વિરાટ કોહલી અને કપ્તાન અને ફોર્મવિહોણા
રોહિત શર્માના ફોર્મ પર તમામની નજર રહેશે. મેલબોર્ન ટેસ્ટના આ બન્નેના દેખાવ પર ટીમ
ઇન્ડિયાનું ભાગ્ય ઘણું-ખરું નિર્ભર રહેશે. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન
ગિલ અને ઋષભ પંત માટે પણ હવે પોતાની પ્રતિભાનો પરચો આપવાનો સમય આવી ગયો છે. એમસીજીની
પીચ પર ઘાસ એમસીજી પીચ પર ઘાસ જોવા મળશે. મોટાભાગે અહીં ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ
પસંદ કરે છે. નવા દડાથી ઝડપી બોલરોને સ્વિંગ અને વધુ ઉછાળ મળે છે. જો કે આ વખતે પરિસ્થિતિ
થોડી અલગ હશે. કારણ કે મેલબોર્નમાં 40 ડિગ્રી ગરમીનું પૂર્વાનુમાન છે. જેનો ફાયદો બેટધરોને
મળી શકે છે. ખાસ કરીને મેલબોર્ન પીચ પર મેચના આખરી દિવસે ટર્ન જોવા મળે છે. જેથી સ્પિનર્સને
પણ ફાયદો થશે.