• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

પ્રાથમિકમાં `નાપાસ નહીં' નિયમ રદ થતાં શિક્ષણનું સ્તર સુધરશે

પાયાના સ્તરે શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે ભારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષણની માટે ચાવીરૂપ સુધારામાં સરકારે હવે ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓને નાપાસ ન કરવાની પોતાની નીતિને રદ કરી છે. આમ આ ધોરણમાં અભ્યાસ કરનારાને આપોઆપ ઉપલા ધોરણમાં પ્રમોટ કરાશે નહીં. જો કે, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર બીજી વખત પરીક્ષા આપવાની તક અપાશે. તેમાં પણ તેઓ નાપાસ થાય તો તેમને આગળના ધોરણમાં જવા દેવાશે નહીં. જો કે, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી શકાશે નહીં. તેમને તેમના વર્ગમાં ફરીવાર બેસીને અભ્યાસ કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષાનાં દબાણને લીધે બાળકોમાં આત્મહત્યાનું ચલણ વધી ગયું હોવાનું જણાતાં સરકારે પાંચમા અને આઠમા ધોરણમાં નાપાસ નહીં પણ પ્રમોટની નીતિ અમલી બનાવી હતી, પણ આ નીતિને લીધે પ્રાથમિક સ્તરેથી શિક્ષણ નબળું પડતું હોવાના ચોંકાવનારાં તારણો સામે આવ્યાં હતાં. આ તારણોને ધ્યાનમાં લઇને સરકારે હવે નાપાસ નહીંની નીતિને રદ કરી નાખી છે. આમે નવી શિક્ષણનીતિ નોંધપાત્ર રીતે ઉદાર અને અભ્યાસલક્ષી હોવાને લીધે નાપાસ નહીંની નીતિની કોઇ જરૂરત રહી ન હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયની અસર કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો, સૈનિક સ્કૂલો સહિત ત્રણ હજાર શાળાઓના વિદ્યાર્થીઓને થશે. જો કે, બે કેન્દ્રશાસિત પ્રદેશો (દિલ્હી અને પોંડિચેરી) ઉપરાંત 16 રાજ્યમાં નાપાસ નહીંની નીતિને બહુ પહેલાં રદ કરી નખાઇ છે. ગુજરાતમાં આ વર્ષથી આ નિર્ણય અમલ બનાવાયો છે. શિક્ષણ મંત્રાલયે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, શિક્ષણ રાજ્ય સરકારોની હસ્તકની બાબત હોવાથી આ બાબતે તેઓ પોતાની રીતે નિર્ણય લઇ શકશે. ઉલ્લેખનીય છે કે, છેક 2016માં સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન (સીએબીઇ)એ નાપાસ નહીંની નીતિને રદ કરવાનું સૂચન કર્યું હતું. બોર્ડનું કહેવું એમ હતું કે, આ નીતિને લીધે વિદ્યાર્થીઓમાં અભ્યાસનું વલણ ઘટતું જાય છે. તે પછી સંખ્યાબંધ સમિતિઓએ આવી જ ભલામણો કરી હતી. વળી એવી પણ હકીકત સામે આવી હતી કે, નાપાસ નહીંની નીતિને લીધે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનનો કોઇ ઉપાય શિક્ષકો પાસે રહેતો ન હતો. આ નીતિને લીધે શાળાઓ વધુ ને વધુ પ્રવેશ પર ધ્યાન આપતી હતી, પણ અભ્યાસનું સ્તર જળવાતું ન હતું. જુલાઇ 2018માં રાઇટ ટુ એજ્યુકેશનમાં સુધારાનો ખરડો લોકસભામાં રજૂ કરાયો, ત્યારે પણ તેમાં નાપાસ નહીંની નીતિને દૂર કરવાની હિમાયત કરાઇ હતી. આ નીતિ દૂર કરવાની સાથોસાથ પાંચમા અને આઠમા ધોરણમાં નિયમિત રીતે પરીક્ષાનાં આયોજનની પણ હિમાયત કરાઇ હતી. આ ખરડો 2019માં રાજ્યસભાએ પણ પસાર કર્યો હતો. તે પછી રાજ્ય સરકારો નાપાસ નહીંની નીતિને રદ કરવાનો નિર્ણય પોતાના સ્તરે લઇ શકવા સક્ષમ બન્યા હતા. અમુક રાજ્યોએ આ મુજબ અમલીકરણ પણ કર્યું છે. હવે કેન્દ્ર સરકારે પણ આ નીતિને રદ કરતાં હવે આખા દેશમાં આ નિર્ણયને અમલ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. હવે આશા રાખી શકાય કે પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધરી શકશે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે વધુ જાગૃત અને ગંભીર બનશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd