• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

રેપો દરને ઘટાડવાનો પ્રયોગ હવે અનિવાર્ય

ભારતના આશાસ્પદ આર્થિક ચિત્ર માટે ચિંતાજનક પડકાર ઊભો થઇ રહ્યો છે. છલકાઇ રહેલા વિદેશી હૂંડિયામણના ભંડારમાં ઘટાડો નોંધાયો છે. આ સ્થિતિ ડોલરની સરખામણીએ રૂપિયાનો દર સતત નબળો પડી રહ્યો હોવાને લીધે થઇ રહી છે. હાલત એવી છે કે ડોલરનો દર 85 રૂપિયાને પાર થઇ ગયો છે. અર્થતંત્ર માટે આ ભારે જોખમી હોવાના ચોંકાવનારાં તારણ સામે આવી રહ્યાં છે. સરકાર માટે ભારે અસમંજસ ખડી થઇ છે. એક તરફ ડોલરના દરને કાબૂમાં રાખવા રિઝર્વ બેંક (આરબીઆઇ) માટે દરમ્યાનગીરી કરવી પડી છે, તો તેને લીધે વિદેશી હૂંડિયામણના ભંડારમાં 50 અબજ ડોલરનું ચિંતાજનક ગાબડું પડયું છે, તો બીજી તરફ ફુગાવાનો દર કાબૂમાં આવતો ન હોવાને લીધે આરબીઆઇ રેપો દરમાં ઘટાડો કરતી નથી, જેને લીધે અર્થતંત્રમાં રોકડની ખેંચ યથાવત્ છે અને વિકાસની ગાડી ખોરંભે ચડી છે. આરબીઆઇ રેપો દરમાં કે વ્યાજના દરમાં ઘટાડો કરશે એવી આશા હજી સુધી ફળીભૂત થઇ શકી નથી, પણ અમેરિકામાં ફેડરલ દ્વારા વ્યાજના દરમાં કાપ મૂકીને તે 4.5 ટકા પર લાવી દેવાનું મહત્ત્વનું પગલું લેવાયું છે. આને લીધે ડોલર વધુ મજબૂત થઇ રહ્યો છે. વળી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદ સંભાળે તે પછી ત્યાં અર્થતંત્ર ઝડપભેર વિકસશે એવી આશાને લીધે રોકાણકારો ભારતમાંથી નાણાં હવે અમેરિકા ભણી વાળી રહ્યાં છે. આ બધા વચ્ચે ડોલરના દરને કાબૂમાં રાખવા માટે આરબીઆઇએ બજારમાં દરમ્યાનગીરી કરવા લીધેલાં પગલાંની જોઇએ એવી અસર સામે આવી નથી. આને લીધે આયાત મોંઘી થઇ રહી છે તેની સાથોસાથ પર્યટન અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં સામાન્ય નાગરિકો પર બોજો વધી ગયો છે. એક તરફ દુનિયામાં ક્રૂડ તેલના ભાવ ઘટી રહ્યા હોવા છતાં ડોલર સતત મજબૂત બનતો જતો હોવાને લીધે ભારતને આયાતી તેલ સસ્તું થવાનો કોઇ ફાયદો થતો નથી. આની સાથોસાથ દવાઓ માટે કાચોમાલ, ખાદ્યતેલ અને વિજાણું સાધનોની આયાત પણ સતત મોંઘી થઇ હોવાને લીધે આર્થિક બોજો વધી રહ્યો છે. રૂપિયાની કિંમત ઘટવા પાછળનાં કારણો પણ જટિલ  છે. નિકાસ વધારવાના પ્રયાસ જોઇએ એવા સફળ થયા નથી. વિદેશી આયાત ઘટાડીને ઘરઆંગણાનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનાં પગલાં પણ લક્ષ્યને આંબી શક્યાં નથી, પરિણામે આયાત સતત વધી રહી છે જેને લીધે વેપારી ખાધ પણ દિવસોદિવસ વધી રહી છે. આ બધાં કારણો રૂપિયાને વિશ્વની બજારમાં નબળો પાડી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી ફુગાવાને નાથવા આરબીઆઇ રેપો દરમાં ફેરફાર કરતા ખચકાય છે. મોંઘવારીને કાબૂમાં રાખવાની જવાબદારી અદા કરવામાં આરબીઆઇનું આ પગલું સફળ થયું નથી, પણ બજારમાં રોકડનો અભાવ સતત વર્તાઇ રહ્યો છે. અર્થતંત્રના ચક્ર સામેના આ પડકારોને લીધે વિકાસ દર સામે સંશય ઊભો થઇ રહ્યો છે. આવામાં રેપો દરને ઘટાડીને બજારમાં રોકડની ઉપલબ્ધિ વધારવાની વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રની માંગ ઉપર સરકારે ધ્યાન આપીને મોંઘવારીની ચિંતા થોડા સમય માટે કોરણે મૂકીને રોકડનું પ્રમાણ વધારવાના ઉપાયને અજમાવી જોવાનો સમય પાકી ગયો હોવાનું જણાઇ રહ્યંy છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd