ગાંધીધામ, તા.
25 : ભચાઉના આધોઇ નજીક અજાણ્યા વાહને બાઇકચાલક રવિ મનસુખ નૈયા (વાલ્મીકિ) (ઉ.વ.
22)ને હડફેટમાં લેતાં આ યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ ભચાઉથી લાકડિયા જતી આર.ટી.ઓ.
ચેકપોસ્ટ નજીક બાઇક સ્લીપ થતાં વિક્રમ રામા કોળી (પગી) (ઉ.વ. 19) નામના યુવાને જીવ
ખોયો હતો. આધોઇ સેક્ટર-4 ખાતે રહેનાર રવિ નામનો યુવાન આજે સવારે બાઇક નંબર જી.જે.-12-
ઇ.જી.-4318 લઇને સામખિયાળી બાજુ જઇ રહ્યો હતો.
તે આધોઇના બૈરાપરબ નજીક પહોંચ્યો હતો. દરમ્યાન કોઇ અજાણ્યા વાહને બાઇક સાથે યુવાનને
હડફેટમાં લેતાં તેને માથાંમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત નોતરનાર વાહનચાલક
વાહન લઇને નાસી ગયો હતો. ગંભીર ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે
તેને મૃત જાહેર કર્યો હતો. હિટ એન્ડ રનના આ બનાવ અંગે મનસુખ મેરાભાઇ નૈયા (વાલ્મીકિ)એ
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ તા. 17/12ના બન્યો હતો. લાકડિયામાં રહેનાર
વિક્રમ કોળી તથા કમલેશ બાઇક નંબર જી.જે.- 39-ઇ-0496 લઇને કપડાં લેવા ભચાઉ ગયા હતા,
ત્યાંથી આ બંને પરત આવી રહ્યા હતા, ત્યારે આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીક કૂતરું આડું આવતાં
તેને બચાવવા જતાં બાઇકનું બેલેન્સ ન રહેતાં પાછળ બેઠેલો વિક્રમ નીચે પડી ગયો હતો. બાદમાં
પાછળથી આવતી અજાણી ટ્રક તેના પરથી ફરી વળતાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને
સારવાર માટે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ભરત રામા
કોળી (પગી)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.