નેત્રા (તા. નખત્રાણા),
તા. 2પ : શિક્ષણ ક્ષેત્રે નીતનવા આવિષ્કરણો અને અભિગમોનો વિનિયોગ કરીને સંનિષ્ઠ શિક્ષક
તરીકેની ચોમેર સુવાસ પ્રસરાવનારા શિક્ષક લહેરીકાંત ગરવાએ તેમની શિક્ષક તરીકેની યશસ્વી
કારકિર્દીની સફરમાં 20 વર્ષ પૂર્ણ કરવાના સોનેરી અવસરે કચ્છમિત્ર જુનિયરના 21 લવાજમ
ભરીને અવિસ્મરણીય ભેટ શાળાને અર્પણ કરીને શિક્ષકત્વ ઉજાગર કરીને વિદ્યાર્થીઓને શિક્ષણમય
અને વાંચનની ટેવ વિકસાવવાના હેતુથી શિક્ષણપથમાં નવી કેડી કંડારી છે. નેત્રા પ્રાથમિક
કુમાર ગ્રુપ શાળાના શિક્ષક લહેરીકાંત ગરવાએ ઉમદા શૈક્ષણિક કામગીરી માટે રાજ્ય કક્ષાનો
શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવ્યો છે. તેઓ જિલ્લામાં રીસોર્સ પર્સન તરીકે-તાલીમ તજજ્ઞ
તરીકે પણ કાર્યરત છે તથા તેમનું પુસ્તક `સંતશ્રી વાલરામજી મહારાજ' આ વર્ષે જ પ્રકાશિત
થયું છે. કચ્છી ભાષાનાં સંવર્ધન માટે કાર્યરત સંસ્થા કચ્છી સાહિત્ય કલા સંઘ, મોરઝરમાં
તેઓ ઈ-પરીક્ષામંત્રી તરીકે કચ્છી ભાષાની ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરીને માબોલી કચ્છી
ભાષાની ઉત્તમ સેવા કરી રહ્યા છે. કચ્છમિત્રના નેત્રાના પ્રતિનિધિ વિજય સીજુએ જણાવ્યું
હતું કે, આજના મોબાઇલ યુગમાં બાળકોને વાંચન તરફ વાળવા માટેનું ઉત્તમ માધ્યમ છે. બાળકો
પણ કચ્છમિત્ર જુનિયરની હંમેશાં રાહ જોતાં હોય છે. અત્યાર સુધી નેત્રામાં દાતાઓના સહયોગથી
51 કોપી આવી રહી હતી, પરંતુ હવે લહેરીકાંત ગરવાએ 21 લવાજમ ભરતાં હવેથી 72 કોપીનું નિયમિત
વાંચન થશે.