• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

મુંદરાનાં ત્રણ ઘર નિશાચરોનાં નિશાન બન્યાં

ભુજ, તા. 25 : કચ્છમાં ઠંડીનો ચમકારો શરૂ થતાં જ ઉઠાવગીરો પણ સક્રિય થયા હોય તેમ ચોરી અને લૂંટ જેવા બનાવોમાં ઉછાળો આવ્યો છે. મુંદરામાં ત્રણ ઘર નિશાચરોનાં નિશાન બનતાં બે જુદી જુદી ચોરીની ફરિયાદ નોંધાઇ છે. એક ફરિયાદમાં ઘર બંધ કરી પતિ-પત્ની ભુજ ફરવા ગયા અને રાત વચ્ચે રૂા. 1.85 લાખનો મુદ્માલ તસ્કરો તફડાવી ગયા હતા. જ્યારે અન્ય એક ફરિયાદમાં બે બંધ મકાનમાંથી કુલ્લે રૂા. 87,500ની મતાની ચોરી થયાની વિગતો લખાવાઇ છે. મુંદરાના યોગેશ્વરનગર મકાન નં. 31 ખાતે રહેતા રોહિતભાઇ કેશભાઇ વાઘેલાએ ગઇકાલે મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 22-12ના બપોરે ઘર બંધ કરી ફરિયાદી તથા તેના પત્નિ સંબંધીઓ સાથે ભુજ ફરવા ગયા હતા અને બીજા દિવસે પરત આવતા ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં સામાન વેર-વિખેર હતો. બેગમાં સોનાનું પેંડલ, વિંટી, ચેઇન, લક્કી, અન્ય બે વિંટી એમ રૂા. 1,55,837ના દાગીના તથા રોકડ રૂા. 25000 તેમજ ગલ્લાની પરચૂરણ રૂા 5000 એમ કુલ્લે રૂા. 1,85,837ના મુદ્માલની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે. બીજી તરફ આજે મુંદરા પોલીસ મથકે મૂળ ઉમિયાનગરમાં રહેતા સુરેશભાઇ દેવાભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 21-12ના રાતથી બીજા દિવસની સવાર સુધી તેમના મકાન તેમજ સાહેદના મકાન સુંદરમ સોસાયટી શેરી નં. 4 મકાન નં. 7ના ઘરના નકૂચા તથા લોક તોડી અજાણ્યા ચોર ઇસમે ઘરમાં અપપ્રવેશ કરી ફરિયાદી સુરેશભાઇના ઘરમાંથી 200 ગ્રામ સોનાની એક મગમાળા કિ. રૂા. 65,000 તથા રોકડ રૂા. 8000 અને સાહેદના ઘરમાંથી 200 ગ્રામની ચાંદીની ડીશ કિ. રૂા. 14 હજાર તથા એક મોબાઇલ કિ. રૂા. 500 એમ બન્ને ઘરમાંથી કુલ્લે રૂા. 87,500ની મતાની ચોરી કરી અજાણ્યા ચોર ઇસમ લઇ ગયા છે. મુંદરા પોલીસે બન્ને ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે, હાલ ઠંડીનું જોર વધતા આવા હરામખોરો રાબેતા મુજબ સક્રિય થયા છે અને થોડા દિવસ પૂર્વે અને પશ્ચિમ કચ્છમાં ચોરી અને લૂંટના બનાવોની ફરિયાદો પણ પોલીસ ચોપડે ચડી રહી છે ત્યારે કાયદો-વ્યવસ્થા જાળવતી પોલીસ પણ સક્રિય બની રાત્રિ પેટ્રોલિંગ કચ્છભરમાં સઘન બનાવે તે  જરૂરી બન્યાનું જાગૃતો જણાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd