ભુજ, તા. 2પ
: પબ્લિક પાર્ક સ્પોર્ટસ ક્લબ દ્વારા મીડિયા
પાર્ટનર કચ્છમિત્રના સહયોગથી આયોજિત અખિલ કચ્છ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમિત ઓપ્ટિક્સ
ટીમ વિજેતા જ્યારે રોયલ ઈલેવન-ભુજ ઉપવિજેતા થઈ હતી. રંગ જમાવતી આ ટૂર્નામેન્ટના ફાઈનલ
પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ આયોજનને બિરદાવીને હાર-જીત ગૌણ છે અને રમવું એ મહત્ત્વનું
છે એમ જણાવ્યું હતું. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્પર્ધાના ફાઈનલના સમારોહમાં
સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓના મંચ થકી ખેલાડીઓ આગળ વધે છે. કચ્છમાં
હાલ અનેક ટૂર્નામેન્ટ રમાઈ રહી છે જે સારી બાબત છે. પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડાએ
આયોજનને બિરદાવ્યું હતું. સામાજિક અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ખેલદિલીની
ભાવના મહત્ત્વની છે. કચ્છમિત્રના એડ મેનેજર હુસેન વેજલાણી, પીપીએસસીના પ્રમુખ પરાક્રમસિંહ
જાડેજા, અગ્રણીઓ મહિપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટપ્રેમીઓની
નોંધપાત્ર હાજરી વચ્ચે ફાઈનલમાં 12 ઓવરની મેચમાં અમિત ઓપ્ટિક્સે ઝમકદાર બેટિંગ કરીને
170 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ 8પ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અગ્રણીઓના હસ્તે વિજેતા
ખેલાડીઓને ટ્રોફી અપાઈ હતી. ફાઈનલ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બ્રેર માઈઝ, બેસ્ટ
બેટ્સમેન સ્મિત મેક્સી, બેસ્ટ બોલર ઋતુરાજસિંહ, બેસ્ટ ફિલ્ડર સ્મિત આહીર રહ્યા હતા.
ટૂર્નામાં સૌથી વધુ 13 સિક્સર અને સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર (103) સ્મિત મેક્સીના નામે
રહ્યા હતા, જેમને રાજેન્દ્રસિંહ અને કિશોરભાઈ ઠક્કરે ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, પીપીએસસીના મંત્રી જયેશ ઠક્કર, ગજેન્દ્રસિંહ
જાડેજા, વિજય અધ્યારુ, હરિ માતા, પ્રેમ ભંડેરી ઉપરાંત ગફુર મંધરા, જોએબ થેબા, મેહુલ
વગેરે હાજર રહ્યા હતા. મહિલા મંત્રી રચનાબેન શાહ, દુલારીબેન ઠક્કર, વૈશાલીબેન શાહ વગેરેની
પણ ઉપસ્થિતિ હતી. સંચાલન જિગર પંડયાએ સંભાળ્યું હતું. અમ્પાયર તરીકે હરિશ્ચંદ્રસિંહ
તેમજ ઈકબાલ જતે સેવા આપી હતી.