• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

સ્થિર સરકાર ન બને ત્યાં સુધી હસીના પરત જાય ખરાં ?

બાંગલાદેશ સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સ્વદેશ પાછા મોકલી આપવા ભારત સરકારને માગણી-પત્ર મોકલ્યો છે. બાંગલાદેશના વિદેશ વિભાગના સલાહકાર તૌહિદ હુસૈને કહ્યું છે કે, અમે શેખ હસીનાનાં પ્રત્યાર્પણ માટે ભારતને રાજદ્વારી ધોરણે પત્ર મોકલ્યો છે. બાંગલાદેશના ગૃહ બાબતોના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું છે કે, ભારત અને બાંગલાદેશ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ અને ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત માગણી કરાઈ છે. બાંગલાદેશમાં પાંચ ઓગસ્ટે  સત્તા પલટા પછી શેખ હસીના ભાગીને ભારત આવ્યાં હતાં અને ભારતમાં આશરો લીધો છે. બાંગલાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાનું પ્રત્યાર્પણ માગ્યું છે. જો કે, દુનિયાએ જોયું છે કે, પાંચમી ઓગસ્ટે વડાપ્રધાન શેખ હસીનાનાં ઘરને ઘેરીને લૂંટવામાં આવ્યું હતું. એ પણ જોવામાં આવ્યું છે કે, સાધુ ચિન્મયદાસને કેવી રીતે ફસાવવામાં આવ્યા છે અને વકીલોએ તેમનો કેસ લડવાનો ઈન્કાર કર્યો છે. આવામાં સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે છે કે, શેખ હસીનાના બાંગલાદેશ પહોંચવા પર તેમની સાથે કેવી રીતે ન્યાય થશે! બાંગલાદેશમાં ચૂંટાયેલી સરકાર સ્થિર બને નહીં ત્યાં સુધી હસીના બાંગલાદેશ પાછાં ફરી શકે નહીં. તેઓ પોતાની મરજીથી જીવ બચાવીને ભારત આવ્યાં છે અને તેમને આશ્રય નકારવાનું યોગ્ય લેખાત નહીં. શેખ હસીનાની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ અને બાંગલાદેશની સ્થિતિ સ્થિર બને તેની પ્રતીક્ષા કરવી જોઈએ. બાંગલાદેશ સાથે આપણી પ્રત્યાર્પણ સંધિ છે, પણ તે ભારતદ્રોહી આતંકવાદીઓને ભારતને સોંપવા તૈયાર નથી, જ્યારે તે ઈચ્છે છે કે તેમનાં માજી વડાપ્રધાનને ઢાકા મોકલી દેવામાં આવે. બાંગલાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુસુફ પહેલાં જ કહી ચૂક્યા છે કે, શેખ હસીના ભારતમાં રહીને નિવેદનો કરે તે કોઈને પસંદ નથી. શું ભારત શેખ હસીનાને ચૂપ રહેવા માટે બાધ્ય કરી શકે છે ? તેઓ એક મોટા પક્ષના નેતા છે, તેમનો પક્ષ નબળો છે, પણ તેમને તેમના પક્ષનો બચાવ કરવાથી કેવી રીતે રોકી શકાય? બાંગલાદેશમાં લોકતંત્ર ખતમ થવાની ઘોષણા તો નથી થઈ, તો પછી નવેસરથી ચૂંટાયેલી સરકારના નિર્ણયની શા માટે પ્રતીક્ષા ન કરવામાં આવે ? બાંગલાદેશના કટ્ટરપંથી સલાહકારોએ એક ચૂંટાયેલી સરકારનો તખતાપલટ કર્યો છે, પણ તેનો અર્થ એ નથી કે, ત્યાં સમગ્ર દેશ તખતાપલટની તરફેણમાં છે. હજી અધિકતમ બાંગલાદેશીઓને પોતાના પક્ષમાં કરવા માટે વચગાળાની સરકારે પ્રયાસ કરવા પડશે. આ લોકતાંત્રિક કાર્ય કે પ્રયાસમાં તેમને ભારત જ હંમેશાં મદદ આપી શકે. શેખ હસીના પ્રત્યાર્પણની માંગ વિરુદ્ધ કોર્ટમાં જઈ શકે છે. જે રીતે ભારતના પ્રત્યાર્પણ અનુરોધોને અન્ય યુરોપીય દેશોએ વિભિન્ન દલીલો અને ચેતવણીઓથી નકારી કાઢ્યા હતા, એવી રીતે શેખ હસીના પણ કહી શકે છે કે, તેમને ત્યાંની સરકાર પર વિશ્વાસ નથી અને તેમની સાથે અનુચિત વ્યવહાર થવાનો ડર છે. આ ઉપરાંત ભારત પણ રાજનીતિક કારણોસર પ્રત્યાર્પણ નકારી શકે છે. બાંગલાદેશ સાથે આપણી પ્રત્યાર્પણ સંધિ છે, પરંતુ `નોટ વર્બલ' બે સરકારો વચ્ચે સંદેશ વ્યવહારનું સૌથી નીચલું સ્તર છે. જો બાંગલાદેશ સરકાર આ પ્રકરણમાં ગંભીર હોય તો તેણે ઉચ્ચસ્તરીય નોટ મોકલવાની રહેશે. આમ છતાં હસીનાને પાછાં મોકલવાની યુનુસ સરકારની માંગ બન્ને દેશોના સંબંધોને વધુ તાણભર્યા બનાવી શકે છે. આમ પણ ભારત આ માંગનો સ્વીકાર કરે તેવી શક્યતા નથી. લાગે છે કે, યુનુસ સરકાર આંતરિક સમસ્યાઓથી બાંગલાદેશના લોકોનું ધ્યાન ભટકાવવા આવી માગણી કરી રહી છે. ત્યારે ભારત માટે શરણાગતને રક્ષણ આપવું અનિવાર્ય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd